વડોદરા, તા.૨૪

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનનુ ચાલુ નાણાંકિય વર્ષનુ રીવાઈઝ્‌ડ અને વર્ષ ૨૦૨૩-૨૪નુ ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્થાયી સમિતી સમક્ષ રજૂ કરાશે.વર્ષ ૨૦૧૮-૧૯ માં સફાઈ ચાર્જમાં વઘારો કરાયા બાદ છેલ્લા ચાર વર્ષ થી વેરામાં કોઈ વઘારો કરવામાં આવ્યો નથી.સાથે રાજ્ય સરકારે પણ મહાનગર પાલિકાઓને આવકના નવા સ્ત્રોત ઉભા કરવા સુચના આપવામાં આવી છે. ત્યારે આ વખતના બજેટમાં લોકો પર કર-દરનુ ભારણ ઝીંકવામાં આવે તેવી પૂરી શક્યતા છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ ૨૦૨૨-૨૩ નું રીવાઈઝડ અને વર્ષ ૨૦૨૩ -૨૪ નું ડ્રાફ્ટ બજેટ તા.૨૭ ના રોજ સ્ટેન્ડિંગ સમિતિ સમક્ષ મ્યુનિસિપલ કમિશનર રજૂ કરશે. ગયા વર્ષે વડોદરા કોર્પોરેશન નું ૩,૮૩૮.૬૭ કરોડનું બજેટ રજૂ કરાયુ હતુ. કોર્પોરેશનમાં આગામી બજેટ સંદર્ભે ગત અઠવાડિયે મેયર-કમિશનર અને કોર્પોરેશનના અધિકારીઓ અને હોદ્દેદારો સાથે પ્રાથમિક ચર્ચા વિચારણા થઈ હતી.

જેમાં નવા નાણાકીય વર્ષ દરમિયાન શું નવું આયોજન થઈ શકે છે, નવા પ્રોજેક્ટ કયા લાવી શકાય તેમ છે, તેમજ બીજા કયા કામ કરવા જેવા છે તે અંગે વિચારણા કરાઈ હતી . શહેર મા નવા સ્તરે વિકાસને લઈ જવા સહિતના માઇક્રો પ્લાનિંગ સંદર્ભે વિચાર વિમર્શ થયો હતો. વડોદરામાં છેલ્લા કેટલાક વર્ષોથી કોર્પોરેશનની વિવિધ સેવા સુવિધા ની લાગતોમાં વધારા સિવાય કરદરમાં વધારો થયો નથી અને સરકાર પણ આગામી ૨૫ વર્ષના વિકાસના વિઝન સાથે આગળ ધપવા માંગે છે, ત્યારે બજેટ કર ભારણ સાથેનું હશે તેવું જણાઈ રહ્યું છે.

કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લે વર્ષ ૨૦૧૮-૧૯માં સફાઈ ચાર્જ માં વઘારો કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ કોરોનાકાળ સહિત છેલ્લા ચાર વર્ષમાં વેરામાં કોઈ વઘારો કરાયો નથી. આગામી વર્ષ ૨૦૨૩ ચૂંટણીનું વર્ષ નથી. તેમ જ વર્ષ ૨૦૨૪માં મે મહિનાની આસપાસ લોકસભાની ચૂંટણીઓ યોજવાની છે, ત્યારે આગામી બજેટમાં કેટલાક વેરા અને લાગતો માં વઘારો કરાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.ઉલ્લેખનિય છે કે, વર્ષ ૨૦૧૮-૧૯ માં સફાઈ ચાર્જમાં વઘારાની સાથે રહેણાંક તેમજ કોમર્શીય મિલ્કતોના સફાઈ ચાર્જ મિલ્કતના એરીયા મુજબ કરવામાં આવ્યો હતો.

કોર્પોરેશનની પોતાની આવક કરતા ખર્ચ વધુ : નવા વિકાસના કામો સરકારની સહાય પર ?

વડોદરા કોર્પોરેશનનુ બજેટ વાસ્તવીક હશેે કે અવાસ્તવીક તે અંગે દર બજેટમાં ચર્ચા થાય છે.વિપક્ષ દ્વારા દર વખતે સભામાં આંકડાકિય માહિતી સાથે બજેટ અવાસ્તવીક હોંવાની રજૂઆત થાય છે.ચાલુ નાણાંકિય વર્ષ ૨૦૨૨-૨૩ ના બજેટમાં રજૂ કરેલા આંકડા જાેતા વડોદરા કોર્પોરેશનની પોતાની આવક કહી શકાય તે સામાન્ય કર,વ્યાજ અને ભાડુ,પાણી, ડ્રેનેજ કર, અન્ય વેરા સહિત મળીને કુલ આવક રૂા.૮૩૨ કરોડ જેટલી છે.તો સામે મહેકમ ,નિભાવણી,પ્રાથમિક શિક્ષણ,લાઈટ બીલ વગેરેનો ખર્ચ રૂા.૧૩૪૭ જેટલો થાય છે.આમ ૫૦૭ કરોડ જેટલી રકમ ઓક્ટ્રોટ સહિત વિવિઘ ગ્રાન્ટ રાજ્ય સરકાર માંથી આવે તો કોર્પોરેશનનુ ગાડુ ચાલી શકે પરંતુ તેમાં વિકાસના કોઈ કામોનો સમાવેશ નથી. આમ સરકારની સહાય મળે તોજ શહેરમાં વિકાસના નાના મોટા કામોનુ આયોજન થઈ શકે તેમ હોંવાનુ પણ બજેટના આંકડા જાેતા સ્શ્ષ્ટ થાય છે.હવે વર્ષ ૨૦૨૩-૨૪ નુ બજેટ રજૂ કરાનાર છે. ત્યારે આ બજેટ વાસ્તવીક હશે કે આંકડાની માયાજાળની જેમ અવાસ્તવીક હશે તેના પર સૌની નજર રહેશે.ઉલ્લેખનિય છે કે, ચાલુ વર્ષના બજેટમાં તેમજ તે અગાઉના પણ બજેટમાં મુકવામાં આવેલા એવા અનેક કામો છે જે હજીસુઘી થયા નથી અને ત્યાર પછીના વર્ષોના બજેટ માંથી કેટલાક કામો જાહેરાત કરાયા બાદ ગાયબ થઈ ગયા હોંવાની રજૂઆતો પણ પાલિકાની સામાન્ય સભામાં અનેક વખત થઈ છે.