વડોદરા -

પેરેન્ટ્‌સ એસોસિયેશનના નેજા હેઠળ વડોદરાના વાલીઓએ ગાંધી જયંતી નિમિત્તે ગાંધીનગર ગૃહ ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વાલીઓએ ગાંધીજીની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યાં હતા. વાલીઓએ જણાવ્યું હતું કે, સરકારે મહામારીમાં વાલીઓ સાથે ઉભા રહેવાની બદલે શાળા સંચાલકોને મદદ કરતી હોય તેવુ લાગી રહ્યું છે. કોરોના મહામારીને કારણે ભારતમાં દરેક પરિવારને અસર થઇ છે. ધંધા-રોજગાર ભાગી પડ્યા છે, વાલીઓની આવક ઘટી ગઇ છે. આવા સમયમાં વાલીઓ સરકાર પાસેથી ૫૦ ટકા જેટલી ફી માફીની રાહ જોઇને બેઠા હતા, પરંતુ, ગુજરાત સરકારે આશા ઉપર પાણી ફેરવી દીધું હતું. લોકડાઉનમાં જ્યારે શાળા-કોલેજો ખુલી નથી અને શાળા સંચાલકોને ખર્ચ થયો નથી, ત્યારે વાલીઓ પાસેથી મસમોટી ફી ઉઘરાવવા માટે સરકારે ખુલ્લો દોર આપી દીધો છે. સરકારે ૨૫ ટકા ફી માફીની જે જાહેરાત કરી છે, તેને લઇને પણ કેટલાક પ્રશ્નો ઉદભવ્યા છે, જે અંગે સરકારે સત્વરે નિરાકરણ લાવવું જરૂરી છે. આ રાહત ટ્યુશન ફી કે એફઆરસી સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલી તમામ ફીમાં લાગુ પડશે? તેવા વિવિધ પ્રશ્નો સરકારે ત્વરિત ર્નિણય લઈ ચોખવટ કરવી જોઈએ. સરકારે હજી આદેશ જાહેર કર્યો નથી. આ અધ્યાદેશની અંદર ૨૫ ટકાની જગ્યાએ જો ફક્ત અને ફક્ત ટ્યુશન ફી અને તેમાં પણ ૫૦ ટકા જેટલી જ ટ્યુશન ફી લેવામાં આવે તેવી અમારી લાગણી અને માંગણી છે.