વડોદરા-

ગઈકાલે સોમવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પર કોઇકે ચપ્પલે ફેંક્યું હતું. આ ઘટનાથી ભારે ખળભળાટ મચી ગયો હતો. બનાવના પગલે પોલીસ તંત્ર દોડતું થયું હતું અને ચપ્પલ ફેંકનારની શોધખોળ હાથ ધરી હતી ત્યારે આજે મળતી વિગત મુજબ વડોદરા પોલીસે ચપ્પલ ફેંકનાર યુવાનને ઝડપી લીધો છે.

ચપ્પલ ફેંકાયાની ઘટના બાદ પોલીસે જણાવ્યું કે, ફૂટેજના આધારે આરોપીની શોધખોળ કરવામાં આવશે. જે બાદ આજે પોલીસે રશ્મિન પટેલ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. તેણે નીતિન પટેલ પર ચપ્પલ ફેંક્યું હતું. રશ્મિન પટેલ શિનોરનો રહેવાસી છે. મોબાઇલમાં વાતચીતના આધારે તે પકડાયો હતો.

વડોદરાના કરજણમાં ગઈકાલે પેટા ચૂંટણીની જાહેર સભા સંબોધન કર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા સમયે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાયું હતું. આ ઘટના બાદ પોલીસ તંત્ર હરકતમાં આવી ગયુ હતું. ત્યારે આજે વડોદરા પોલીસે રશ્મિન પટેલ નામના યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.