વડોદરા-

માંજલપુર વિસ્તારના ચન્દ્રવિલાસનગરમાં પાંચ વર્ષ અગાઉ પ્રેમસંબંધની શંકાએ દલિત પરિવારના એક વિદ્યાર્થી યુવક પર પાડોશમાં રહેતી બે બહેનો સહિતના શસસ્ત્ર ટોળાએ હુમલો કર્યો હતો તેમજ પિતાની નજર સામે યુવાન પુત્રની કરપીણ હત્યા કરી હતી. આ બનાવમાં સંડોવાયેલા આઠ આરોપીઓ પૈકીની બે સગી બહેનો સહિત છ આરોપીઓને અત્રેની અદાલતે આજીવન કેદની સજા ફટકારી તમામને રોકડ દંડ ભરવાનો આદેશ કર્યો હતો.

માંજલપુર અલવાનાકા પાસે આવેલા ચન્દ્રવિલાસનગરમાં રહેતા ૫૧ વર્ષીય મહેન્દ્રભાઈ મથુરભાઈ રોહિત (સોલંકી) ગત ૨૦૧૬માં પત્ની તેમજ પુત્ર સહિતના પરિવાર સાથે રહેતા હતા તેમજ વોચમેન તરીકે ફરજ બજાવતા હતા. તેમનો ૨૨ વર્ષીય પુત્ર અમિત તે સમયે તરસાલી આઈટીઆઈમાં મિકેનિકલનો અભ્યાસ કરતો હતો તેમજ પિતાને મદદરૂપ થવા પાર્ટટાઈમ નોકરી કરતો હતો. તેમની સોસાયટીમાં પાડોશમાં રહેતા રાયસીંગભાઈ ચૈાહાણની અપરિણીત પુત્રી જ્યોતિ સાથે મહેન્દ્રભાઈના પ્રેમસંબંધ હોવાની શંકાએ બંને પરિવારની મહિલાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. ગત ૨-૧૨-૧૬ના સાંજે જ્યોતિ અને તેના પરિવારજનોએ મહેન્દ્રભાઈના ઘરે આવી ઝઘડો કર્યો હતો અને જ્યોતિના બનેવી રાકેશ ઉર્ફ ઈરફાને મકાન ખાલી કરીને જતા રહો નથી તો તમને જાનથી મારી નાખીશ તેવી મહેન્દ્રભાઈને ધમકી આપી હતી.

ધમકીના બે દિવસ બાદ ૪થી તારીખની સાંજે મહેન્દ્રભાઈ અને તેમના પત્ની ઉષાબેન સંબંધીના ઘરે ગયા હતા તે સમયે જ્યોતિ અને તેના પરિવારજનોનું શસસ્ત્ર ટોળું મહેન્દ્રભાઈના ઘરે ત્રાટક્યુ હતું અને તેઓએ ઘરમાં એકલા મહેન્દ્રભાઈના પુત્ર અમિત પર ખંજરલાકડીઓ સાથે તુટી પડ્યા હતા. તેઓએ અમિતના પેટ, છાતી, કમર અને બંને હાથ પર ખંજરના આડેધેડ ઘા ઝીંકી તેમજ લાકડીના ફટકા અને ફેંટો મારી હતી. આ દરમિયાન મહેન્દ્રભાઈ ત્યાં આવી પહોંચતા તેમણે પુત્રને બચાવવા માટે દરમિયાનગીરી કરી હતી પરંતું પાડોશી રાયસીંગ તેમજ તેની બંને પુત્રીઓ જ્યોતિ અને નયનાએ તેમને પકડી મુકતા બાકીના આરોપીઓએ તેમની નજર સામે યુવાન પુત્રને રહેસીં નાખ્યો હતો. પોતાના પુત્રના હત્યાના બનાવની મહેન્દ્રભાઈએ માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચન્દ્રવિલાસનગરમાં રહેતા રાયસીંગ બાબર ચૈાહાણ તેમના પુત્ર હરેન્દ્ર ઉર્ફ ધમો, પુત્રી જ્યોતિ તેમજ જમાઈ ઈરફાન ઉર્ફ રાકેશ આલમ પરમાર, તેની પત્ની નયના ઉર્ફ મુસ્કાન (બંને રહે. શાઅબ્બાસની ચાલી,જમાલપુર,અમદાવાદ), હર્ષદ મુળજી પટેલ (સાંઈનાથ હા.બોર્ડ, ભાટકુવા, માંજલપુર), શૈલેષ મહેશ વસાવા (સાંગમાગામ,પાદરા), પાદરમાં રહેતા સગીર વયના અજય સામે ગુનો નોંધ્યો હતો અને તમામ આરોપીઓની ધરપકડ કરી જેલભેગા કર્યા હતા જયારે સગીરવયના આરોપીને ડિટેઈન કરી જુવેનાઈલ જસ્ટીસ બોર્ડમાં મોકલી આપ્યો હતો. આરોપી રાયસીંગ ચૈાહાણનું ગત ઓક્ટોબર-૨૦૧૯માં મોત નિપજ્યું હતું જેથી બાકીના છ વયસ્ક આરોપીઓ સામે કોર્ટ કાર્યવાહી ચાલી હતી. આ કેસ અત્રેની અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ ભાવિનભાઈ પુરોહિતની દલીલોને ગ્રાહ્ય રાખી અદાલતે તમામ બે સગીબહેનો સહિત તમામ છ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી દરેકને રોકડ દસ હજારનો દંડ ભરવાનો આદેશ કરાયો હતો.