વડોદરા-

માસ્ક નહીં પહેરનાર નાગરિકો સામે દંડની વસુલાતની રકમ ૫૦૦થી વધારીને ૧૦૦૦ કરી દેવાતા માસ્ક નહી પહેરનાર લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. અગાઉ રોજના રોજના સરેરાશ ૧૫૦ થી ૨૦૦ વ્યક્તિઓ પકડાતા હતા. તે સંખ્યા ઘટીને ૧૦૦ની અંદર આવી ગઈ છે. કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે સરકારે ઘરની બહાર નિકળનાર દરેક નાગરિક માટે માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે. તેમજ જાહેરમાં થૂંકવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. જે નિયમનો અમલ ટ્રાફિક પોલીસ દ્વારા કરાવવામાં આવી રહ્યો છે. શરૃઆતમાં માસ્ક નહી પહેરનાર નાગરિકો પાસેથી ૧૦૦ રૃપિયાના દંડના કારણે લોકો માસ્ક પહેરવાના નિયમને ગંભીરતાથી લેતા નહોતા. ત્યારબાદ દંડની રકમ ૨૦૦ કરવામાં આવી અને પછી તેના ક્રમશઃ વધારો કરીને ૫૦૦ અને હાલમાં ૧૦૦૦ રૃપિયા કરવામાં આવી છે. અગાઉ સરેરાશ ૧૫૦ થી ૨૦૦ નાગરિકોને દંડ કરવામાં આવતો હતો. ક્યારેક તો સંખ્યા વધીને ૩૫૦ની ઉપર જતી રહેતી હતી.

પરંતુ ૧૫ ઓગસ્ટ પછી દંડની રકમ ૫૦૦ થી વધારીને ૧૦૦૦ રૃપિયા કરી દેવામાં આવ્યા. વધુને વધુ લોકો માસ્ક પહેરતા થઈ ગયા છે. જૂન ૨૦૨૦માં ૧૧૧૯ નાગરિકો પાસેથી ૨,૨૩,૮૦૦ રૃપિયાનો દંડ વસુલવામાં આવ્યો હતો. જ્યારે જુલાઈ મહિનામાં ૧૧,૬૮૪ નાગરિકો પાસેથી ૨૩,૪૧,૦૦૦ રૃપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. અને ઓગસ્ટ મહિનાની ૨૩મી તારીખ સુધી ૨૫૨૩ નાગરિકો પાસેથી ૧૪,૭૮,૮૦૦ રૃપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં પોલીસે ૪૦,૪૩,૬૦૦ રૃપિયાનો દંડ ૧૫,૩૨૬ નાગરિકો પાસેથી વસુલ કર્યો છે.

શહેરમાં અલગ અલગ સ્થળોએ લગાડેલા સીસીટીવી કેમેરા દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહનચાલકો વિરૃધ્ધ ઇ-ચલણ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા.અગાઉ સીટબેલ્ટ, હેલમેટ, ત્રણ સવારી, રોંગસાઇડ, ટ્રાફિક જંકશન પર સ્ટોપલાઇનના ભંગ બદલ ઇચલણ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. જૂન, જુલાઇ અને ઓગસ્ટ મહિનામાં કુલ ૫૯,૯૬૯ ઇ-ચલણ ઇશ્યૂ થયા છે. જેના દંડની રકમ ૩.૨૮ કરોડ થાય છે.