વડોદરા, તા.૧૩ 

બરોડા ક્રિકેટ એસોસિયેશને તાજેતરમાં જ સિંગાપોરના સ્પોર્ટ્‌સ મીડિયા સ્ટ્રિમિંગ સ્ટાર્ટઅપ સાથે પાંચ વર્ષનો કરાર કર્યો છે. આ કરાર અંતર્ગત વડોદરામાં ક્રિકેટના ઇતિહાસથી લઈને ભવિષ્ય સહીત ડોમેસ્ટિક ક્રિકેટ પ્લેયર્સની રસપ્રદ કહાનીઓ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્‌સ પર રજુ કરવામાં આવશે. પાંચ વર્ષના આ પ્રોજેક્ટ અંતર્ગત શરૂઆતના ત્રણ વર્ષમાં દરવર્ષે ૩ કરોડની આવક બીસીએ ને થશે. જેમાંથી ૬૦% રકમ વડોદરામાં વિવિધ કેટેગરીમાંથી રમતા ક્રિકેટર્સના પગારથી લઈને તાલીમ પાછળ ખર્ચ કરવામાં આવશે.

બીસીએ દ્વારા તાજેતરમાં જ સિંગાપોરની સ્પોર્ટ્‌સ મીડિયા કન્ટેન્ટ એન્ડ સ્ટ્રીમિંગ સ્ટાર્ટઅપ ‘૧ પ્લે સ્પોર્ટ્‌સ‘ સાથે પાંચ વર્ષીય કરાર કર્યો છે. આ કરાર અંતર્ગત બીસીએ દ્વારા ‘૧ પ્લે સ્પોર્ટ્‌સ‘ને પોતાની એક્સક્લુઝિવ કોમર્શિયલ એજન્સી તરીકે રાખવામાં આવી છે. જેમાં, વડોદરામાં ક્રિકેટના ઇતિહાસથી લઈને ભવિષ્ય સુધીની માહિતી, બીસીએ દ્વારા યોજવામાં આવતી વિવિધ ટૂર્નામેન્ટો વિવિધ સોશિયલ મીડિયા માધ્યમોથી આંતરરાષ્ટ્રીય ઓડિયન્સ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત બીસીએ સાથે જોડાયેલા વિવિધ કેટેગરીના પ્લેયર્સની રસપ્રદ કહાનીઓ પણ લોકો સુધી પહોંચાડવામાં આવનાર છે. ‘૧ પ્લે સ્પોર્ટ્‌સ‘ દ્વારા બીસીએની તમામ ટૂર્નામેન્ટોનું પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્‌સ પર લાઈવ સ્ટ્રિમિંગ પણ કરવામાં આવનાર છે.આ કરાર થકી બીસીએ ને બે રીતે ફાયદા થનાર છે. જેમાં પહેલો ફાયદો વધારે લોકો સુધી પહોંચવાનો છે. આ કરાર દ્વારા એશિયા પેસેફિકના તમામ દેશોમાં બીસીએનો પ્રચાર થશે અને બીજો ફાયદો એ થશે કે કરારના પ્રથમ ત્રણ વર્ષમાં દરવર્ષે બીસીએ ને ત્રણ કરોડની આવક થનાર છે. બીસીએના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ આવકની ૬૦% રકમ વિવિધ કેટેગરીમાંથી રમતા પ્લેયર્સના પગાર અને તાલીમ પાછળ ખર્ચ થશે. જેના પરથી કહી શકાય કે બીસીએના ઇતિહાસમાં આ પ્રકારનો પહેલો કરાર છે. કે જેમાં પ્રચાર અને આવક બંને ભરપૂર માત્રામાં થશે.