લોકસત્તા વિશેષ તા. ૧૬

શહેર ભાજપમાં વર્તમાન સંગઠનની ટીમની રચનાથી જ જૂથબંધી અને આંતરિક ખેંચતાણના બીજ રોપાયાં હતાં. કોર્પોરેશનની ચૂંટણી અને ત્યાર બાદ વિવિધ નિમણૂકો અને કાર્યક્રમોમાં સંગઠનની મનમાનીને લઈને અનેક વિવાદો થયા હતા. ત્યારે હિન્દુવાદી કહેવાતી પાર્ટીના ચૂંટાયેલા સભ્યો અને સંગઠન દ્વારા અહમ્‌ના ટકરાવને લઈને કારેલીબાગ વૈષ્ણવ હવેલી અને સ્વામીનારાયણ મંદિરની જમીનના લીઝના મામલે વિવાદ થતાં મામલો પ્રદેશ પ્રમુખ સુધી પહોંચ્યો છે. શહેર ભાજપની મોટી સંકલન સમિતિ એટલે કે સંગઠન, પ્રભારી મંત્રી, સાંસદ અને ધારાસભ્યોની બેઠકમાં નક્કી થયેલા ર્નિણયને નાની સંકલન સમિતિ એટલે કે સ્થાયી સમિતિ પૂર્વે મળતી બેઠકમાં તૂ તૂ મેં મેં કરી બ્રેક મારવામાં આવતાં વિવાદ વકર્યો છે. જે વિવાદનો ઉકેલ લાવવા માટે આજે શહેર ભાજપ પ્રમુખ અને મેયરની આગેવાનીમાં મુખ્ય આગેવાનો પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને મળવા દોડી ગયા હતા. જાે કે આ વિવાદમાં શું આખરી ર્નિણય કરવામાં આવ્યો તે અંગે કોઈ સ્પષ્ટતા સામે આવી નથી.

લોકસત્તા જનસત્તાને પ્રાપ્ત જાણકારી અનુસાર કારેલીબાગ વૈષ્ણવ હવેલીની ૯૯ વર્ષની લીઝ પર લીધેલી જમીન સ્વામીનારાયણ મંદિરને ફર્ધર લીઝ પર આપવા માટેની સ્થાયી સમિતિમાં આવેલી દરખાસ્ત મેયર કેયુર રોકડિયા અને સ્થાયી સમિતિના અધ્યક્ષ તેમજ વડોદરા જિલ્લાના પ્રભારી પરાક્રમસિંહ જાડેજાની આગેવાનીમાં નક્કી કરવામાં આવી હતી. જે માટે ગત સપ્તાહે સ્થાયી સમિતિની બેઠક પૂર્વે મળેલી શહેર ભાજપની મોટી સંકલન સમિતિની બેઠક કે જેમાં પ્રભારી મંત્રી પ્રદિપ પરમાર સહિત પ્રદેશ મહામંત્રી, શહેર ભાજપ પ્રમુખ, સાંસદ, ૫ ધારાસભ્યો અને કોર્પોરેશનના હોદ્દેદારોનો સમાવેશ થાય છે તેમાં આ દરખાસ્ત મંજૂર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ સ્થાયી સમતિની બેઠક પૂર્વે સ્થાયી સમિતિના સભ્યોની ઉપસ્થિતિમાં મળેલી નાની સંકલન સમિતિની બેઠકમાં કેટલાક સભ્યોએ ફર્ધર લીઝ માટે નક્કી કરવામાં આવેલી કિંમત સામે સવાલ ઉઠાવતાં ભડકો થયો હતો. હકીકતમાં મેયર કેયુર રોકડિયા અને પરાક્રમસિંહ જાડેજાની આગેવાનીમાં આખી દરખાસ્ત પાર પડે તેવી સ્થિતિ સર્જાતાં ભાજપના સંગઠન જૂથના મનાતા સભ્યોનો અહમ્‌ ઘવાયો હતો. જેમાં ભડકો થતાં મોટી સંકલન સમિતિએ ર્નિણય કર્યો હોવા છતાં નાની સંકલન સમિતિએ તેના પર બ્રેક મરાવી હતી. જેના પગલે આખો મામલો આજે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના દરબારમાં પહોંચ્યો હતો. જાે કે પ્રદેશ પ્રમુખે શું આદેશ આપ્યા છે તેના પર હજી સસ્પેન્સ યથાવત્‌ જાેવા મળે છે.

શું કહે છે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ?

કારેલીબાગ વૈષ્ણવ હવેલીની જમીનને ફર્ધર લીઝ પર સ્વામીનારાયણ મંદિરને આપવાની દરખાસ્તની ચર્ચા કરવા માટે આજે વડોદરા ભાજપની ટીમ આવી હતી. તેઓ સાથે પ્રાથમિક ચર્ચા કરવામાં આવી છે. પરંતુ હજી અન્ય વિગતો માગવામાં આવી છે, જે વિગતો મળ્યા બાદ પુનઃ ચર્ચા કરી ર્નિણય કરવામાં આવશે. - સી.આર.પાટીલ, પ્રમુખ, ભાજપા, ગુજરાત

વિરોધમાં હોય તેના નામ લખાવો તેવું મેયરે કહેતાં ભડકો થયો?

સ્થાયી સમિતિની બેઠકમાં હવેલીની જમીનના મામલે ચાલી રહેલી ચર્ચા દરમિયાન મેયર કેયુર રોકડિયાએ સંકલન સમિતિમાં દરખાસ્ત મંજૂર કરવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. આ સમયે સંગઠન જૂથના કેટલાક સભ્યોએ દરખાસ્ત મંજૂર કરવાની હોય તો પછી ચર્ચા જ શું કામ કરો છો તેમ કહેતાં મામલો બીચક્યો હતો. આ ચડભડમાં મેયરે વિરોધમાં હોય તેના નામ લખાવો તેમ કહેતાં જ ભડકો થયો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું. જેના કારણે વિવાદ વકરતાં દરખાસ્ત મુલત્વી કરવી પડી હતી.

મનોજ પટેલ અને સુનીલ સોલંકીએ વિરોધની આગેવાની લીધી?

કારેલીબાગ સ્વામીનારાયણ મંદિરમાં પૂર્વ મેયર અને શહેર ભાજપ મહામંત્રી સુનીલ સોલંકી અને સ્થાયી સમિતિના સભ્ય મનોજ પટેલ નજીકથી સંકળાયેલા જાેવા મળતા હોય છે. પરંતુ આ દરખાસ્તના મામલે બંનેને દૂર રાખવામાં આવતાં નારાજગી ઊભી થઈ હતી. ખાસ કરીને મહામંત્રી સુનીલ સોલંકી આ વિસ્તારના પૂર્વ કાઉન્સિલર હતા, જ્યારે મનોજ પટેલ હાલ આ વિસ્તારના કાઉન્સિલર છે. ત્યારે દર વખતે નાની નાની બાબતમાં મંદિર તરફથી કે પક્ષ તરફથી મંદિરની જવાબદારી સોંપવામાં આવતી હોય છે પરંતુ આ વખતે તેઓને કોરાણે મુકી મેયર અને જિલ્લા પ્રભારીને જવાબદારી સોંપવામાં આવતાં તેઓએ આ વિરોધની આગેવાની લીધી હોવાનું કહેવાય છે.