વલસાડ-

વાપી ટાઉન પોલીસે વાપી તેમજ દમણ વિસ્તારમાંથી બાઈકની ચોરી કરનારા 4 આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી કુલ 14 બાઈક જપ્ત કર્યાં છે. આરોપીઓ બાઈકની ચોરી કરી પેટ્રોલ પૂર્ણ થવા પર બાઈક છોડી બીજા બાઈકની ચોરી કરતા હતા.

વાપીમાં બાઈક ચોરીના વધતા કેસને ધ્યાને રાખી જિલ્લા SP ડૉ.રાજદીપસિંહ ઝાલા અને વાપી વિભાગના DySp વી.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ વાપી ટાઉન પોલીસ મથકના PI આર.ડી.મકવાણાની ટીમે બાતમીના આધારે વાપી જુના રેલવે ગરનાળા બહાર દેસાઇવાડ તરફ જતા રોડ ઉપર એક યુપી પાર્સિંગની બાઈકને અટકાવી હતી. ત્યારબાદ ચાલક શિવમ કુંદન પટેલ, અભિષેક ઉર્ફે મીલન વિનોદસિંહ ચંદેલ, તેમની સાથે એક્ટિવા પર આવતા સંજય શંભુપ્રસાદ જયસ્વાલ અને સગીર બાળકને અટકાવી આધાર પુરાવા અંગે પૂછપરછ કરતાં આ ગાડીઓ ચોરીની હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આરોપી પાસેથી ચોરેલા 14 બાઈક જપ્ત કર્યાં હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ બાઈકની ચોરી કરી પેટ્રોલ પત્યા બાદ તેને સંતાડીને અન્ય ગાડીઓની ચોરી કરી ફરાર થઇ જતા હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.