વડોદરા, તા.૨૫

કોરોનાનો નવો વેરિઅન્ટનો એક કેસ વડોદરા શહેરમાં નોંધાયા બાદ સ્થાનિક આરોગ્યતંત્ર સાવચેતીના ભાગરૂપે શહેર સહિત શહેર નજીક આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્રોને પણ સતર્ક, સારવારથી સુસજ્જ રાખવા માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે શહેર નજીકના વરણામા ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્યલક્ષી સારવાર માટે મોકડ્રીલ યોજાઈ હતી. સારવાર માટેના સાધનોની, ઓક્સિજન સપ્લાય સહિત વેન્ટિલેટરની ચકાસણી કરી તેની કાર્યક્ષમતા ચકાસવામાં આવી હતી. હાલ જીવલેણ કોરોના ચીન સહિત અન્ય દેશોમાં હાહાકાર મચાવી રહ્યો છે. મોટી સંખ્યામાં વિદેશોમાં કોરોનાના દર્દીઓ નોંધાઈ રહ્યા છે. ત્યારે કોરોનાની પ્રથમ અને બીજી લહેરના અનુભવને ધ્યાનમાં રાખી ભારત દેશમાં અને ખાસ કરીને રાજ્યો અને શહેરોમાં કોરોના પુનઃ પગપેસારો ન કરે તે માટે તમામ સાવચેતીના પગલાં ભરવામાં આવી રહ્યાં છે. કોરોનાની તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સ્થાનિક આરોગ્યતંત્ર દ્વારા સાવચેતીનાં પગલાં તેમજ આરોગ્યલક્ષી સારવાર માટેની તૈયારીઓ સજ્જ કરવામાં આવી રહી છે. શહેરના આરોગ્યતંત્ર દ્વારા વરણામા ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટેના સાધનોની મોકડ્રીલ

યોજવામાં આવી હતી.