ગોધરા : વેજલપુર પોલીસ સ્ટેશનના ટ્રાફીક બ્રિગેડના જવાન પંકજ બારીઆ ફરજ પુર્ણ કરી લાડપુર ઘરે પરત જતા સમયે ખરસાલીયા ફાટક આગળ ઝાડીમાં છૂપાયેલા ઈસમોએ એસીડ અટેકનો હુમલો કરતા પંચમહાલ પોલીસ તંત્રમાં સ્તબ્ધતાનો હાહાકાર પ્રસરી ગયો છે.  

અચાનક સાંજના અંધકારમાં એસીડ એટેકનો ભોગ બનનાર ટીઆરબીના યુવાન જવાન પંકજ બારીઆને ગોધરા સિવીલ હોસ્પીટલમાં સારવાર માટે અત્યારે દાખલ કરીને વેજલપુર પોલીસ તંત્રએ એસીડ એટેક કરનારા અજાણ્યા કુખ્યાત ચહેરાઓને શોધવાની કવાયતો હાથ ધરી છે. ટ્રાફીક બ્રિગેડના જવાન પંકજ બારીઆ ઉપરના આ એસીડ એટેકનો હુમલો એટલે તીવ્ર હશે કે ઘટનાસ્થળે રહેલા ઝાડી-ઝાંખરા પણ જલદ એસીડના પગલે બળી ગયા હતા.

ટ્રાફીક બ્રિગેડના જવાન પંકજ બારીઆ ઉપરના આ એસીડ એટેકના પગલે હરકતમા આવી ગયેલ પોલીસ તંત્રએ હુમલાખોરોના આ અધમ કૃત્યની જાણકારીઓ એકત્ર કરવા માટે વ્યાપક સર્ચ અભિયાન હાથ ધર્યું છે.

કાલોલ તાલુકાના વેજલપુર સ્થિત પોલીસ સ્ટેશનમાં જીતપુરા પાસે આવેલા લાડુપુરા ગામનો યુવક પંકજભાઈ સંતોષભાઈ બારીયા ૨૦૧૪થી હંગામી ટ્રાફિક બ્રિગેડમાં જોડાયેલો છે અને ૨૦૧૮થી વેજલપુર પોલીસ સાથે ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવે છે. જે મધ્યે સોમવારે દિવસ દરમ્યાનની પોતાની ફરજ પુરી કરી સાંજના સાડા સાતના સુમારે પોતાની મોટરસાયકલ પર ઘરે જવા ખરસાલીયા ફાટક પાસે ચાઇના ગામના સીમાડા ઉપર નાળું પસાર કરીને જતા વળાંકમાં ડાબી બાજુ ઝાડીઓમાં છુપાયેલા કેટલાક અજાણ્યા ઈસમોમાંથી કોઈ એક ઈસમ દ્વારા આ યુવક પર અચાનક જ્વલનશીલ પ્રવાહી ફેંકતા યુવકના કપાળ, આંખ અને છાતીના ભાગે આ પ્રવાહી પડતાં તેને બળતરા થવા લાગી હતી. જેથી આ પ્રવાહી એસિડ હોવાની તેને ગંધ આવતા એસિડ હુમલાના ડરથી મોટરસાઇકલ ઉભી રાખ્યા વિના આગળ સલામત સ્થળે પહોંચી પોતાના ગામના ત્રણ યુવકોને પોતાના પર થયેલા એસીડ હુમલા અંગે જાણ કરી તાત્કાલિક ઘરે લઇ જઇ ૧૦૮ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અથેઁ ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન વેજલપુર પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવતા વેજલપુર પોલીસે એસીડ હુમલો કરનારા અજાણ્યા ઇસમો સામે ઈપીકો કલમ ૩૨૬(એ) ,૧૨૦(બી), ૧૧૪ મુજબ ગુનો દાખલ કરી હુમલાખોરોની તપાસ હાથ  ધરી હતી.