વડોદરા, તા.૧

પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસ સિલિન્ડરના ભાવમાં છેલ્લાં કેટલાંક દિવસથી સતત થઈ રહેલા ભાવવધારાને કારણે વધી રહેલી બેફામ મોંઘવારીથી લોકો ત્રાહિમામ્‌ પોકારી રહ્યા છે. ત્યાં સીએનજી અને પીએનજીના ભાવમાં વધારાની શક્યતા વચ્ચે વડોદરા ગેસ લિ. દ્વારા તેના સીએનજીના ભાવમાં પ્રતિકિલોએ ટેક્સ સાથે રૂા.૭.૭પનો વધારો કર્યો છે. જેના પગલે સીએનજી વાહનધારકો પર રૂા. રર કરોડનો વધારાનો બોજ પડશે. જાે કે, સીએનજી બાદ આગામી દિવસોમાં પીએનજીના ભાવમાં પણ વધારો કરાય તેવી શક્યતા છે.

દેશમાં કોમ્પ્રેસ નેચરલ ગેસ અને પાઈપ્ડ નેચરલ ગેસના ભાવ નક્કી કરતા પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસીસ સેલ દ્વારા આજથી અમલમાં આવે તે રીતે સીએનજી અને પીએનજીના ભાવ ર.૯૦ ડોલરથી વધારીને ૬.૧૦ ડોલર કરી દીધા છે. જેના પગલે પેટ્રોલની જેમ કુદરતી ગેસના ભાવમાં પણ એકધારો વધારો જાેવા મળશે.

ત્યારે વડોદરા અને આસપાસના વિસ્તારમાં ર૬ પંપો ધરાવતા વડોદરા ગેસ લિમિટેડે આજે રાતથી અમલી બને તે રીતે સીએનજીના ભાવમાં પ્રતિકિલોએ ટેક્સ સાથે રૂા.૭.૭પનો ભાવવધારો કર્યો છે. અત્યાર સુધી વીજીએલ દ્વારા અપાતા સીએનજીનો ભાવ પ્રતિકિલો ટેક્સ સાથે રૂા.૬૯.રપ હતો, જે વધીને હવે રૂા.૭૭ પ્રતિકિલો કરવામાં આવ્યો છે જેના પગલે સીએનજી વાહનચાલકોના માથે પ્રતિ વરસે રૂા.રર કરોડનો બોજ પડશે.જાે કે, સીએનજી બાદ વીજીએલ દ્વારા આગામી દિવસોમાં પીએનજી એટલે કે પાઈપ્ડ ગેસના ભાવમાં પણ વધારો કરાય તેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વીજીએલ દ્વારા ઘરગથ્થુ પાઈપ્ડ ગેસના ભાવમાં વધારો કરાયો હતો. આમ, પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસના સતત વધી રહેલા ભાવ વચ્ચે મોંઘવારીમાં થઈ રહેલા અસહ્ય વધારાને કારણે લોકો ત્રાહિમામ્‌ પોકારી રહ્યા છે. હજી ગઈકાલે જ બરોડા ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિલિટરે રૂા.રનો વધારો કરવામાં આવ્યો હતો.‘’