વડોદરા : આંતરરાષ્ટ્રીય બોગસ માર્કશિટ કૌભાંડનો માસ્ટર માઈન્ડ વિક્કી સરદારને પીસીબીએ ઝડપી પાડયા બાદ આજે એની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. બીજી તરફ નકલી માર્કશિટના ધંધામાં કરોડો રૂપિયા કમાયા બાદ વિક્કીએ નોટબંધી દરમિયાન નકલી બિટકોઈનના ધંધામાં ઝંપલાવી કરોડો રૂપિયાનું કરી નાખ્યું હોવાની માહિતી બહાર આવી છે. માસ્ટર માઈન્ડ ઝડપાતાં જ એના માથાભારે સાગરિતો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જ્યારે મુસ્લિમ મહિલા વિક્કીને બચાવવા મેદાનમાં ઉતરી હોવાનું કહેવાય છે. બોગસ માર્કશિટ કૌભાંડ હવે આંતરરાષ્ટ્રીય હોવાનું બહાર આવ્યું છે. ત્યારે પોલીસના ખાસ મનાતા વિક્કી સરદારની મેઘાલયમાં આવેલી વિલિયમ કેરી યુનિવર્સિટી સુધી તપાસનો રેલો લંબાશે. પોલીસે ઝડપેલા ત્રણની પૂછપરછ દરમિયાન બોગસ માર્કશિટો અને ડિગ્રી સર્ટિફિકેટોના આધારે અનેક વિદ્યાર્થીઓ પરદેશ પહોંચી ચૂકયા છે. ત્યારે પીસીબી જાે તપાસ કરે તો કરોડો રૂપિયાની લેતીદેતીના વ્યવહારો પણ બહાર આવી શકે એમ છે. સટ્ટામાં ઝડપાયેલા એક જુગારીના મોબાઈલ ફોનમાંથી બોગસ માર્કશિટનંુ કૌભાંડ ઝડપાયું હતું. જેની તપાસમાં મહારાષ્ટ્રના દિલીપ મોહિતેને ઝડપી લાવી એની પૂછપરછ દરમિયાન વડોદરાના ત્રણ એજન્ટો રેહાન, કબીર અને ભરૂચના સિરાજ સાથેના સંપર્કો બહાર આવ્યા હતા. એમની ઓફિસ ઉપર દરોડો પાડવામાં આવતાં ત્યાંથી મળેલી ૫૦૦ જેટલી બોગસ માર્કશિટોમાં વિક્કી સરદારની મેઘાલયમાં આવેલી વિલિયમ કેરી યુનિવર્સિટીના સર્ટિફિકેટ અને માઈગ્રેશન સર્ટિ.ની માર્કશિટો મળી આવી હતી. દિલીપ મોહિતેના જણાવ્યા અનુસાર પીસીબી પોલીસે ગત તા.ર૧ નવેમ્બરના રોજ ફતેગંજ વિસ્તારના બ્લ્યુ ડાયમંડ એપાર્ટમેન્ટમાં આવેલ રેહાન સિદ્દીકીની ઓફિસ અને ભરૂચ ખાતેના જય કોમ્પલેક્સમાં આવેલ સિરાજ સૈયદની ઓફિસ મળી બંને ઓફિસમાં દરોડો પાડયો હતો. પોલીસે બંને ઓફિસમાં તપાસ કરતાં અલગ અલગ સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડની માર્કશિટ, ભારતની વિવિધ યુનિવર્સિટીની માર્કશિટ, ડિગ્રી સર્ટિફિકેટ, સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી, મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી, માસ્ટર ઓફ કોમ્પ્યૂટર અને વિવિધ માસ્ટર ડિગ્રીના સર્ટિફિકેટ તેમજ માઈગ્રેશન સર્ટિફિકેટો મળી પ૦૦થી વધુ સર્ટિફિકેટો મળી આવ્યા હતા. ૫૦૦થી વધુ સર્ટિફિકેટ મળી આવતાં પોલીસે રેહાન અબ્રાર અહેમદ સિદ્દીકી (રહે. યોગકુટિર, તાંદલજા), કબીર મોહંમદ ફારૂક બાદશાહ (રહે. મોગલવાલા, વાડી) અને સિરાજ તાજુદીન સૈયદ (રહે. જૂની કોર્ટ, ભરૂચ)ની ધરપકડ કરી ત્રણેય વિરુદ્ધ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. રેહાન સિદ્દીકી મીમ ઈન્સ્ટિટયૂટ ફોર મેનેજમેન્ટ ટેકનિકલ સ્ટડી નામની ઓફિસ ચલાવતો હોવાથી તેના દ્વારા આપવામાં આવેલ ડિગ્રી સર્ટિફિકેટથી કેટલા લોકો વિદેશમાં અભ્યાસ તેમજ નોકરી કરવા ગયા છે તે અંગે તપાસ કરવાની બાકી છે. જેથી ગોત્રી પોલીસના ગુનામાં ધરપકડ થયેલ રેહાન સિદ્‌ીકીનું ટ્રાન્સફર વોરંટ મેળવી ફતેગંજ પોલીસ મથકમાં નોંધાયેલ ગુનામાં ધરપકડ કર્યા બાદ રેહાન પાસેથી ડુપ્લિકેટ સર્ટિફિકેટ મેળવી વિદેશ અભ્યાસ તેમજ નોકરી કરવા કોણ કોણ ગયું છે તે અંગે તપાસ કરવામાં આવશે. રાજસ્થાનના ઉદયપુરથી વડોદરા લવાયેલ વિક્કી વાલિયા (સરદાર)ને પીસીબીએ કોરોનાની ગાઈડલાઈન મુજબ કોરોના ટેસ્ટ માટે મોકલી આપ્યો હતો. ફતેગંજ પોલીસ મથકે નોંધાયેલા ૪૦૬, ૪૨૦, ૪૬૭, ૪૬૮, ૪૭૧ અને ૧૨૦બી મુજબ નોંધાયેલા ગુનાઓ અનુસાર જ સુખાપાલસિંગ ઉર્ફે વિક્કી ગુરનામસિંગ વાલા (રહે. સવિતાદીપ બંગલોઝ, ગોત્રી)ની ધરપકડ થઈ છે, તો પીસીબી હવે એને અદાલતમાં રજૂ કભરી રિમાન્ડની માગણી કરશે. 

વિક્કીના બચાવમા ઉતરેલી એ મુસ્લિમ મહિલા કોણ?

બોગસ માર્કશિટ અને બિટકોઈનના ધંધામાં કરોડો રૂપિયા કમાયા બાદ વિક્કી સરદાર બાઉન્સરોથી ઘેરાયેલો રહેતો હતો. એના માટે માથાભારે કહેવાતો દિલીપ કેરી એને મોટી રકમ લઈ બાઉન્સરો પૂરા પાડતો હતો. જ્યારે યોગેશ પરમાર નામનો યુવા ભાજપી એને રાજકીય છત્ર પૂરું પાડતો હતો. યોગેશે કેટલાક પોલીસ સબ ઈન્સ્પેકટરોની ઓળખાણ વિક્કી સાથે કરાવી હોવાનું કહેવાય છે. વિક્કી સરદાર ઝડપાયા બાદ બધા ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ત્યારે એક મુસ્લિમ મહિલા વિક્કીને બચાવવા માટે મેદાનમાં ઉતરી છે.