વડોદરા

વડોદરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-એપીએમસીની વેપારી વિભાગની ચાર બેઠકો માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી આજે હાથ ધરવામાં આવી હતી. જેમાં ધી બરોડા ગ્રેન મરચન્ટ એસોસિયેશન અને સયાજીપુરા માર્કેટ યાર્ડ શાકભાજી વેપારી વેલ્ફેર એસોસિયેશનની સંયુક્ત પેનલનો વિજય થયો હતો. આમ ૧૬ પૈકી લગભગ તમામ બેઠકો ભાજપે મેળવતાં ફટાકડા ફોડીને તેમજ એકબીજાનું મોં મીઠું કરાવીને ભાજપાના વિજેતા ઉમેદવારો અને સમર્થકોએ ખુશી વ્યક્ત કરી હતી. જાે કે, વેપારી વિભાગમાં ભાજપ સમર્થિત એક ઉમેદવારનો પરાજય થયો હતો.

વડોદરા એપીએમસીની ૧૬ બેઠકો પૈકી શૈલેષ પટેલની આગેવાની હેઠળની અને ભાજપા દ્વારા મેન્ટેડ આપવામાં આવેલ ખરીદ-વેચાણ વિભાગની બે અને ખેડૂત વિભાગની ૧૦ મળી ૧૨ બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. જ્યારે વેપારી વિભાગની ચાર બેઠકો પર પાંચ ઉમેદવારો મેદાનમાં હોવાથી શુક્રવારે યોજાયેલી ચૂંટણીમાં ૧૦૪ પૈકી ૧૦૨ મતદારોએ મતદાન કર્યું હતું. આજે સવારે એપીએમસી ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ધી બરોડા ગ્રેન મરચન્ટ એસોસિયેશન અને સયાજીપુરા માર્કેટ યાર્ડ શાકભાજી વેલ્ફેર એસોસિયેશનની સંયુકક્ત પેનલના ઉમેદવાર નારાયણ પટેલનો ૮પ, દીપેન ગાંધીને ૮૪, ઉમેશ કોટડિયાને ૭૯ અને જયપ્રકાશને ૭૩ મત મળતાં વિજય થયો હતો. જ્યારે અલ્પેશ શાહને ૪૬ મત મળ્યા હતા. આમ ૧૬ પૈકી તમામ બેઠકો પર ભાજપ સમર્થિત પેનલના ઉમેદવારોનો વિજય થતાં વેપારીઓ અને સમર્થકોએ ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી હતી.