વડોદરા : મા શક્તિની ભક્તિ અને આરાધનાનું પર્વ નવરાત્રિ મહોત્સવની આ વરસે પ્રથમ વખત કોરોનાની મહામારીના કારણે ગરબાના આયોજન વગર લોકો ઘરોમાં જ માતાજીની આરાધના કરી રહ્યા છે. આવતીકાલે નોમ અને દશેરા ભેગા છે ત્યારે શસ્ત્રપૂજા અને શમી પૂજન ઘરે-ઘરે કરાશે. જાે કે, જાહેરમાં વિજયોત્સવ ઉજવવામાં નહીં આવે. છેલ્લા ૩૯ વર્ષથી પોલોગ્રાઉન્ડ ખાતે યોજાતા રામલીલા અને રાવણદહનનો કાર્યક્રમ નહીં યોજાય, પરંતુ હનુમાન યાગનું આયોજન કરવામાં આવ્યું છે. 

સંસ્કારી અને ઉત્સવપ્રિય નગરી વડોદરાના ગરબા એ વિશ્વપ્રસિદ્ધ છે. પરંતુ આ વરસે કોરોનાના કારણે ગરબાના આયોજન પર પ્રતિબંધ મૂકવામાં આવતાં શહેરીજનો પ્રથમ વખત ભક્તિભાવપૂર્વક ઘરમાં જ માતાજીની આરાધના કરી રહ્યા છે. આવતીકાલે નોમ અને દશેરા ભેગા હોઈ બપોરે વિજય મુહૂર્તમાં ઘરે ઘરે તેમજ રાજવી પરિવાર દ્વારા પરંપરાગત રીતે શસ્ત્રપૂજન કરાશે, સાથે શમીના વૃક્ષનું પૂજન કરાશે. જાે કે, કોરોનાના કહેરના કારણે જાહેર કાર્યક્રમો યોજાશે નહીં.

શહેરના પોલોગ્રાઉન્ડ ખાતે ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ દ્વારા છેલ્લાં ૩૯ વર્ષથી રામલીલા અને રાવણદહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે, પરંતુ આ વરસે રદ કરવામાં આવ્યો છે. ભગવાન રામના ફોટા સમક્ષ સોશિયલ ડિસ્ટન્સ સાથે હનુમાન યાગનું આયોજન કરવામાં આવ્યું છે. દશેરા પર્વે ફાફડા-જલેબી આરોગવાની પ્રથા છે ત્યારે શહેરમાં ઠેર ઠેર ફાફડા-જલેબીના સ્ટોલ ઊભા થઈ ગયા છે. આ ઉપરાંત ફૂલબજારમાં અત્યાર સુધી મંદી જાેવા મળી હતી. પરંતુ આવતીકાલે દશેરા હોઈ બજારમાં મોટી માત્રામાં ગલગોટાના ફૂલો આવ્યા છે અને ફૂલબજારમાં તેજી જાેવા મળી રહી છે. આમ આવતીકાલે અસત્ય પર સત્યના વિજયની પ્રતિક તરીકે ઉજવાતા વિજયાદશમી પર્વની સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉજવણી કરાશે.

મોટી સંખ્યામાં નવા વાહનોની ખરીદી થશે

કોરોનાના કારણે હાલ મંદીનો માહોલ હોવા છતાં સાડા ત્રણ શુભ મુહૂર્તમાં એક એવા દશેરા પર્વે મોટી સંખ્યામાં નવા વાહનોની ખરીદી થતી હોય છે. ત્યારે અનેક લોકોએ અગાઉથી જ દશેરાના દિવસે નવું વાહન ખરીદવા ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોનું બુકિંગ કરાવી દીધું છે. ત્યારે આવતીકાલે મોટી સંખ્યામાં નવા વાહનોની ખરીદી પણ જાેવા મળશે.