વડોદરા, તા. ૧૬ 

છેલ્લા કેટલાક દિવસોથી વડોદરાના મહારાણી રાધિકારાજે ગાયકવાડ જૈન દીક્ષા ગ્રહણ કરી રહ્યો હોવાનો દાવો કરતો એક કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વાઇરલ થયેલા વીડિયોમાં રાધિકારાજે ગાયકવાડની કેશ લોચન વિધિ થઇ રહી હોવાનું બતાવવામાં આવ્યું છે. જોકે, વાઈરલ વીડિયો અંગે લક્ષ્મીવિલાસ પેલેસ ઓફિસે સ્ટેટમેન્ટ જાહેર કરીને વીડિયોને સાતત્યતાને રદિયો આપ્યો છે અને વિડીયોમાં દેખાતા મહિલા મહારાણી રાધિકારાજે નહિ હોવાનું જણાવ્યું છે.

સોશિયલ મીડિયા પર મળતા મેસેજો તેની સાતત્યતા ચકાસ્યા વગર લોકો આગળ ફોરવર્ડ કરી દેતા હોય છે. મેસેજને ચકાસ્યા વગર માત્ર એક ક્લિકથી આગળ ફોરવર્ડ કરેલો મેસેજ આગળ જતા કેટલી હદ સુધી લોકોને નુકસાન પહોંચાડી શકે છે, તેનાથી મોટાભાગના લોકો અજાણ હોય છે. વડોદરાના મહારાણી રાધિકારાજે ગાયકવાડે જૈન દીક્ષા ગ્રહણ કરી છે. તેવા મેસેજ સાથે સોશિયલ મીડિયામાં છેલ્લા કેટલાક દિવસોથી એક વિડીયો વાઇરલ થયો હતો.

વાઈરલ થયેલા વીડિયો અંગે વડોદરા લક્ષ્મીવિલાસ પેલેસ ઓફિસ તરફથી સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જણાવાયું છે કે, છેલ્લા કેટલાક સમયથી અમને વોટ્‌સએપ મેસેજ આવી રહ્યા છે કે, રાધિકારાજે ગાયકવાડે જૈન ધર્મ અંગીકાર કર્યો છે અને તેઓએ જૈન દીક્ષા લઇ લીધી છે અને જૈન ધર્મ અપનાવ્યો છે. આ વાત તદ્દન ખોટી છે. આવી કોઇ દીક્ષા લીધી નથી કે, જૈન ધર્મ પણ અપનાવ્યો નથી. રાધિકારાજે ગાયકવાડ જૈન ધર્મનું સન્માન કરે છે અને વીડિયોમાં જે દીક્ષાર્થીની જૈન દીક્ષા દરમિયાન કેશ લોચનની વિધી કરવામાં રહી છે તે વડોદરાના મહારાણી રાધિકારાજે ગાયકવાડ નથી.