બાલાસિનોર, તા.૧૧

મહિસાગર જિલ્લામાં ગુજરાત રાજ્ય યુવક બોર્ડના ભાજપના કન્વીનર દ્વારા જન્મદિવસ ઉજવાયો હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં આ અંગે મહીસાગર-લુણાવાડાના પોલીસ અધિક્ષકના માર્ગદર્શન તથા ના.પો.અધિકારીની સૂચનાથી વિરપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.કે.ગામીત તથા તેમના સ્ટાફ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલાં વિડિયો બાબતે તપાસ કરી કવન પટેલ સહિત ૭ આરોપીઓને પકડી લીધાં હતાં. તેઓની વિરૂદ્‌ધમાં પ્રોહિબિશન એક્ટ તથા જાહેરનામા ભંગ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

વાઇરલ થયેલાં વિડિયોમાં જોવા મળતી ગાડી મહિન્દ્રા એસયુવી નંબર જીજે૦૬ એફસી૬૨૦૨ તથા કેક કાપવામાં ઉપયોગ લેવાયેલી તલવાર કબજે કરવામાં આવ્યાં હતાં. માસ્ક પહેર્યા વગર જન્મદિવસની ઉજવણી કરી રહેલાં તમામ ઇસમોને માસ્ક ન પહેરવા બદલનો દંડની પણ કાર્યવાહી કરવામાં આવી હતી. તા.૧૧ના રોજ પણ વધુ તપાસ જારી રાખી બીજા કુલ-૬ ઇસમોને પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં વાઇરલ વિડિયોમાં દેખાતાં તમામ ઇસમોને પકડવાની તજવીજ જારી છે.

બાલાસિનોર ધારાસભ્યના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ, વિડિયો નવાં કે જૂનાં તે એક સવાલ

બાલાસિનોરના કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પણ ૨૭મેના રોજ વગર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વિના તેમનો પણ જન્મદિવસ ઉજવતાં હોવાનો દાવો કરીને કેટલાંક વિડિયો અને ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યાં હતાં. જોકે, સવાલ એ ઊભાં થયાં છે કે, આ વિડિયો નવાં છે કે જૂનાં? એવું કહેવાય છે કે, ધારાસભ્યએ ન્યૂઝ માધ્યમોમાં ટીપ્પણીઓ કરતાં તેઓના વિડિયો કોઈએ વાઇરલ કરી દીધાં હતાં.