અમદાવાદ-

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાની ગતિ મંદ પડી છે તો સરકારે પણ કેટલીક છૂટછાટ આપી છે આ સાથે જ લોકો બિન્દાસ બનીને કોરોના નામનું કંઈ અસ્તિત્વમાં જ નથી તેમ ભૂલી ગાય છે. માસ્ક અને સોશિયલ ડિસટન્સનું પાલન પણ કરતાં નથી. જાેકે, વૈજ્ઞાનિકો-તબીબોએ કોરોનાની સંભવિત ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી છે ત્યારે ગુજરાત આરોગ્ય વિભાગ અત્યારથી જ સતર્ક બન્યુ છે. ગુજરાતમાં રોજ ૬૦ હજાર આરટીપીસીઆર ઉપરાંત એન્ટીજન ટેસ્ટ કરવા ટાર્ગેટ અપાયો છે. જાેકે હાલ રોજ માત્ર ૨૦-૨૨ હજાર ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.

ગુજરાતમાં કોરોનાએ હળવા પગલે વિદાય લીધી છે. ગુજરાત અનલોક થયુ છે. હાલમાં રોજ કોરોનાના ૧૦૦થી પણ ઓછા કેસ નોંધાઇ રહ્યાં છે. એક સમયે કોરોનાનો ટેસ્ટ કરાવવા લોકોની લાંબી કતારો લાગતી હતી. સામાન્ય ખાંસી,શરદી,તાવમાં ય લોકો આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા દોડી જતા હતાં. જાેકે કોરોના ઓછો થતા લોકો બધુ જ ભૂલીને રસ્તા પર નીકળી પડ્યા હોય તેવું લાગી રહ્યું છે.

આરોગ્ય વિભાગના સૂત્રો મુજબ રાજ્ય આરોગ્ય વિભાગે ગુજરાતમાં રોજ ૬૦ હજાર કોરોનાના ટેસ્ટ કરવા નક્કી કર્યુ છે. એટલું જ નહીં, અમદાવાદ સહિત મુખ્ય શહેરો ઉપરાંત જિલ્લામાં નિર્ધારિત સંખ્યામાં ટેસ્ટ કરવા લક્ષ્યાંક અપાયો છે. જેમ કે, અમદાવાદમાં રોજ ૮ હજાર, સુરતમાં ૭૫૦૦, વડોદરામાં ૩ હજાર, ભાવનગરમાં ૧૫૦૦, જામનગરમાં ૧૨૦૦, રાજકોટમાં ૨ હજાર, ગાંધીનગરમાં ૭૫૦ ટેસ્ટ કરવા નક્કી કરાયુ છે.

જાેકે, કોરોના ટેસ્ટ માટે ટાર્ગેટ અપાયો છે તેના કરતાં ય ઓછા ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. સૂત્રોનું કહેવુ છેકે, રાજ્યમાં ૬૦ હજારના ટાર્ગેટ સામે માત્ર ૨૦-૨૨ હજાર ટેસ્ટ કરવામાં આવે છે. તા.૪થી જુલાઇએ અમદાવાદ શહેરમાં ૮ હજારના લક્ષ્યાંક સામે માત્ર ૧૬૫૪ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. એટલે કે માત્ર ૨૦ ટકા જ ટેસ્ટ કરાયા હતાં. અમરેલી,મોરબી જેવા જિલ્લામાં તો ૧૦ ટકા કરતાં ય ઓછા ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.

માહિતી મુજબ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં સતર્કતા દાખવવા અત્યારથી સૂચનાઓ અપાઇ છે તેમ છતાંય સૃથાનિક તંત્ર કોઇ દરકાર લેવા તૈયાર નથી. મહત્વની વાત તો એ છે કે, માઇક્રોબાયોલોજિસ્ટ કોરોનાના સેમ્પલ લેતા નથી બલ્કે લેબ ટેકનીશીયન આ કામગીરી કરી રહ્યાં છે જેના કારણે ટેસ્ટ કરવાની માત્રા ઓછી થઇ છે. આ ઉપરાંત હવે લોકોને કોરોનાનો ડર રહ્યો નથી જેના કારણે પણ લોકો ટેસ્ટ કરાવવાનુ ટાળી રહ્યાં છે.