નવી દિલ્હી

વિકેટકીપર ઉપેન્દ્ર યાદવની (૧૧૨) સદી અને કેપ્ટન કરણ શર્માની (૮૩) સાથે પાંચમી વિકેટ માટે ૧૨૯ રનની ભાગીદારી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનમાં ઉત્તર પ્રદેશને વિજય હઝારે ટ્રોફી ક્વાર્ટરફાઈનલમાં મંગળવારે ટૂર્નામેન્ટમાં દિલ્હીને ૪૬ રને હરાવ્યું હતુ. ઉપેન્દ્રે ૧૦૧ બોલની ઇનિંગ્સમાં ૧૧ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા જ્યારે કરણે ૧૦૦ બોલની ઇનિંગ્સમાં ૧૧ ચોગ્ગા ફટકાર્યા હતા. ઉત્તર પ્રદેશનો મુકાબલો સેમિ ફાઇનલિસ્ટ ગુજરાત સાથે થશે જ્યારે બીજી સેમિફાઇનલમાં મુંબઇનો મુકાબલો કર્ણાટક સાથે થશે.ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ઉત્તરપ્રદેશે સાત વિકેટ પર ૨૮૦ રન બનાવ્યા બાદ ૪૮.૧ ઓવરમાં દિલ્હીની ટીમ ૨૩૪ માં ઓલઆઉટ થઇ ગઈ હતી.

લક્ષ્યનો પીછો કરતાં દિલ્હીની અડધી ટીમ ૨૦ ઓવર પહેલા પેવેલિયન પરત ફરી હતી. યુવા ફાસ્ટ બોલર શિવમ માવી (૩૧ રન આપીને એક વિકેટ) શાનદાર બોલિંગ કરી રહ્યો હતો. દિલ્હી તરફથી લલિત યાદવ (૬૧) અને વિકેટકીપર અનુજ રાવત (૪૭) એ છઠ્ઠી વિકેટ માટે ૧૦૪ રનની ભાગીદારી કરીને ટીમની આશા વધારી હતી. માવીએ જોકે લલિત યાદવને પેવેલિયન મોકલીને આ ભાગીદારી તોડી હતી. જેના પછી દિલ્હીની બેટિંગ વિખેરાઈ ગઈ હતી. અગાઉ ઉત્તરપ્રદેશની પણ શરૂઆત ખૂબ જ નબળી હતી અને ટીમે ૨૫ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.

સુકાની કરણ અને અક્ષદીપ નાથે (૧૫) ચોથી વિકેટ માટે ૪૧ રન જોડ્યા. જ્યારે ઇનિંગ્સને પાટા પર લાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે સિમરનજીતે (૫૧ રનમાં ૨ વિકેટે) ૧૭ મી ઓવરમાં અક્ષીપની વિકેટ સાથેની ભાગીદારી તોડી હતી. આ પછી કરણ અને ઉપેન્દ્ર યાદવે પાંચમી વિકેટ માટે ૧૨૯ રનની ભાગીદારી કરી અને મોટા સ્કોરનો પાયો નાખ્યો. શરૂઆતમાં સારી રમત રમ્યા બાદ આ જોડીએ ઘણા આકર્ષક શોટ બનાવ્યા હતા. કરણના આઉટ થયા બાદ સમીર ચૌધરીએ ઉપેન્દ્રને સારો ટેકો આપવા ઉપરાંત ૩૫ બોલમાં ૪૩ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. જેનાથી ટીમે ૨૮૦ રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી સિમરનજીત અને કેપ્ટન પ્રદીપ સાંગવાને બે-બે વિકેટ ઝડપી હતી.