વડોદરા, તા.૨૯

રાષ્ટ્રીયકૃત બેન્કોમાં રહેલા પ્રજાના નાણાં લૉન રૂપે મેળવી રૂા.૩ હજાર કરોડનું ફુલેકું ફેરવવા બદલ જેલવાસ ભોગવી ચૂકેલી ભટનાગર ત્રિપુટી સામે સીબીઆઈએ પુનઃ તપાસ શરૂ કરી છે. શહેરના પેજ થ્રી કલ્ચરના જાણીતા ચહેરા અમિત ભટનાગર, સુમિત ભટનાગર અને પિતા સુરેશ ભટનાગરની ડાયમંડ પાવર ઈન્ફ્રાસ્ટ્રકર દ્વારા બેન્કો સાથે રૂા.૨૬૫૪ કરોડનું ફ્રોડ કરવા બદલ ફરિયાદ થઈ હતી. ત્યારે ભટનાગર ત્રિપુટી સાથે સંકળાયેલી મેફેર લિઝર્સ પ્રા.લિ. દ્વારા બેન્ક ઓફ ઈન્ડિયામાંથી લીધેલી કરોડો રૂપિયાની લૉન મામલે તપાસ કરી સીબીઆઈએ નિવેદનો લીધા હતા. ત્યારે હવે ભટનાગર પરિવારની મહિલાઓ પણ હવે કાયદાના સકંજામાં આવે તેવી શક્યતાઓ ઊભી થઈ છે. બેન્ક ઓફ ઈન્ડિયા બાદ હવે બેન્ક ઓફ બરોડાએ પણ નોટિસ આપી રૂા.૨૨૧ કરોડ અને વ્યાજ ૧૫ દિવસમાં ચૂકવી દેવા જણાવ્યું છે.

વડોદરાના વિજય માલ્યા કહેવાતા અમિત ભટનાગરે અનેક બેન્કો સાથે છેતરપિંડી કરી કરેલા કૌભાંડ બાદ સીબીઆઈએ રૂા.૨૬૫૪ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધી હતી જેમાં અમિત, સુમિત અને સુરેશ ભટનાગરને ઝડપી પાડી જેલમાં દોષ વર્ષ સુધી ધકેલ્યા હતા. એ દરમિયાન બેન્કના ઉચ્ચ અધિકારીઓ પણ સકંજામાં આવ્યા હતા. જાે કે, હાલ શરતી જામીન ઉપર છૂટ્‌યા બાદ પણ ભટનાગર ત્રિપુટીની મુશ્કેલીઓનો અંત આવતો નથી.

અગાઉ એક સપ્તાહ પહેલાં બેન્ક ઓફ ઈન્ડિયા વતી ડેબ્ટ રિકવરી ઓફિસરે રૂા.૬૪ કરોડની લોનની વસૂલાત માટે અખબારોમાં જાહેર નોટિસ આપી હતી ત્યાર બાદ આજે બેન્ક ઓફ બરોડાએ પણ અખબારોમાં જાહેરાત આપતાં વ્યાપારીઆલમમાં ચકચાર જાગી છે.

મે. ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ કંપની બનાવી તેના નામે શહેરની બેંક ઓફ બરોડામાંથી ૨૨૧.૭૬ કરોડની લોન ભટનાગરબંધુઓ દ્વારા લેવામાં આવી હતી. આ લોનની રકમની ભરપાઇ નહીં થતાં ડેબટ્‌સ રિકવરી ટ્રીબ્યુનલે નોટિસ પાઠવી આગામી ૧૫ દિવસમાં આ બાકી નીકળતાં નાણાં ભરપાઇ કરવાની નોટિસ પાઠવવામાં આવતાં ફરી એકવાર ભટનાગર બંધુઓ પ્રકાશમાં આવ્યા છે.

ભટનાગરબંધુઓ અમિત, સુમિત ભટનાગર અને સુરેશ ભટનાગરની આ ત્રિપુટીએ પોતાની કંપની ડાયમંડ પાવરના નામે કરોડો રૂપિયાની લોન બેંક ઓફ બરોડાના ડાયરેકટર અને ભાજપના અગ્રણીના છૂપા આશીર્વાદથી મેળવી હતી. આ લોનો ભરપાઇ નહીં કરી મસમોટું કૌભાંડ આ ત્રિપુટી દ્વારા આચરવામાં આવતાં સીબીઆઇને આ અંગેની તપાસ સોંપવામાં આવી હતી. તાજેતરમાં જ સીબીઆઇની ટીમે ભટનાગર બંધુઓના નિવેદનો લીધા હતા અને કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી. આ અંગે વધુ માહિતી અનુસાર ડેબટ્‌સ રિકવરી ટ્રીબ્યુનલના અધિકારી પ્રકાશ મીનાએ જાહેર નોટિસ આપી ગોરવા બીઆઇડીસીમાં કોર્પોરેટસ ઓફિસ અને સાવલી તાલુમાં ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડના સંચાલકોને ૧૫ દિવસમાં લોનના નાણાં ભરપાઇ કરવાની નોટિસ પાઠવવામાં આવી છે.