ભરૂચ/અંકલેશ્વર, ભાજપ દ્વારા આ વખતે ૬૦ વર્ષથી વધુ ઉંમરના અને ૩ ટર્મથી ચૂંટાતા આગેવાનને ટિકિટ નહિ ની ફોર્મ્યુલા જાહેર કરાતા ભરૂચ જિલ્લામાંથી રાજ્યના સહકાર મંત્રી અને અંકલેશ્વરના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલના મોટા ભાઈ વિજય પટેલે જ આ અંગે અસહકાર બતાવી ભાજપ સભ્ય પદેથી રાજીનામુ આપ્યું હોવાનું બહાર આવ્યું છે.

ગુરુવારે અંકલેશ્વરના ધારાસભ્ય અને સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના ભાઈ વિજય પટેલ કે જેઓ હાંસોટ તાલુકા પંચાયતના માજી પ્રમુખ છે તેઓ એ રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તેઓએ સ્થાનિક નેતાઓ પર ભ્રષ્ટાચારના કથિત આરોપો પણ મુક્યા છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે આ વખતે ૬૦ વર્ષથી વધુ ઉંમરના અને ૩ ટર્મથી ચૂંટાતા આગેવાનને ટિકિટ નહિ આપવાનું જાહેર કર્યું છે. જેનો ભરૂચ જિલ્લામાં પહેલો આફ્ટર શોક સહકાર મંત્રીના મોટા ભાઈ દ્વારા ધરાર રાજુનામું ધરી દેતા બહાર આવ્યો છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી ને લઈ ભરૂચ જિલ્લામાં પણ પક્ષ પલટો અને જડતોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ચૂંટણીમાં પોતાની આશા અપેક્ષાઓ પૂર્ણ ન થાય તો રાજીનામું અથવા તો પક્ષ પલટાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ભાજપામાંથી હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ બનનાર અને ત્યાર બાદ જીલ્લા પંચાયતના સભ્ય બનનાર વિજય ઠાકોરભાઈ પટેલે આજે અચાનક પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને સંબોધીને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું ધરી દીધું છે. તેઓએ રાજીનામામાં તો અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે પરંતુ મીડિયા સમક્ષ સ્થાનિક નેતાઓ ઉપર આક્ષેપો કર્યા હતા. તેઓએ સ્થાનિક આગેવાનો ભ્રષ્ટાચાર અને વ્યભિચારથી ભરપુર હોવાનાં આક્ષેપો કર્યા હતા તો તેઓ પક્ષની વિચારધારા સાથે પણ સહમત ન હોવાનું તેમણે જણાવ્યુ હતું.

 પ્રદેશ પ્રમુખ પાટીલ દ્વારા આ વખતે ૩ ટર્મથી ચૂંટાતા આગેવાનોને ટીકીટ નહિ આપવાનાં સંકેત આપ્યા છે અને વિજય પટેલની ઉમર પણ ૬૦ વર્ષ થઈ ગઈ છે ત્યારે રાજીનામાનું મૂળ કારણ આ પણ હોય શકે તેવી ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે. ચૂંટણી ટાણે જ રાજીનામાથી નવો વળાંક આવ્યો છે.