આણંદ : ખંભાતના છેવાડાના ગણાતાં ગોલાણા ગામનું દેવપુરા (કુબા) આઝાદી કાળથી અત્યાર સુધી દર ચોમાસે ચાર મહિના સંપર્ક વિહોણું બની જાય છે! દર વર્ષે ચોમાસામાં તંત્ર માત્ર ટેલીફોનીક સંપર્ક કરી સંતોષ માને છે. ચાર મહિના સંપર્ક વિહોણાં રહેતાં ખંભાતનાં દેવપુરા(કુબા) ગામના લોકો ૩.૫ કિમી કાદવ કીચડ અને પાણીનાં માર્ગ પર અવર જવર કરવા મજબૂર છે! 

વર્ષો પહેલાં ગોલાણા ગામે આવેલી ગૌચર જમીનમાં ગામના માલધારીઓ પોતાના ધણ લઈને ચરાવવા માટે આ ગૌચરમાં જતાં હતાં. જે સમયે સાબરમતી નદી રિંઝા ગામેથી આથમણી દિશાએ વટામણ તરફ વહેતી હતી. ત્યારબાદ નદીએ પોતાનો પટ બદલતાં આ ગામનું ગૌચર અને ગામ વચ્ચે વિશાળ સાબરમતી વહેતી થઈ હતી. આ લોકોને ગાયો ચરાવવા માટે કાયમી આ નદીનાં વહેતાં પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો હતો. આ નિત્યક્રમ બની ગયો હતો. ગોલાણા ગામના લોકોની હજારો એકર ખેતી લાયક જમીન પણ નદીને પેલે પાર બંજર બનીને પડી છે. કેમ કે ખેતી માટે ત્યાં જવું એટલે મોતનાં મુખમાં જવા બરાબર છે.

દેશ આઝાદ થયો અને દાયકાઓ વીતી ગયાં. રાજ્યમાં વિકાસના નામે ઘણાં કામો થયાં, પરંતુ ગોલાણાથી વિખુટાં પડેલાં આ ગામમાં હજુ વિકાસ પહોંચ્યો નથી. દરરોજ ૩.૫ કિમીનુ અંતર કાપીને અહીંના લોકો જીવન સંઘર્ષ કરી રહ્યાં છે. અહીં કુલ ૩૮૬ની જનસંખ્યા છે. ગામમાં કુલ ૮૦ ખોરડા છે. આમ તો આ લોકો માલધારી છે એટલે પોતાનું જીવન પશુપાલન પર નિભાવે છે, પરંતુ પશુઓનું દૂધ લઈને જવું હોય તો મોટી બોરૂ ગામે જવંુ પડે. એક તરફ સાબરમતી અને બીજી તરફ ભોગાવો નદીની વચ્ચે વસેલું આ ગામ હાલ બે જિલ્લાની સરહદો વચ્ચે પીડાઓથી પીસાઈ રહ્યું છે. ખાસ કરીને ચોમાસામાં બંને નદીઓમાં પાણી ભરાઈ જવાથી ચાર મહિના સુધી અહીંથી અવર જવર થઈ શકતી નથી. સમજાે કે, ગામ સંપર્ક વિહોણું બની જાય છે.

માજી ધારાસભ્ય સંજય પટેલે અહીં શાળા બનાવી આપી છે. અત્યાર સુધી અહીં શિક્ષણના નામે મીંડું હતું. ખંભાતના માજી ધારાસભય સંજય પટેલના કાર્યકાળમાં અહીં તેઓ રૂબરૂ મુલાકાતે આવ્યાં પછી ૨૦૧૭થી અહીં એકથી પાંચ ધોરણની શાળા બનાવી આપી હતી. વર્ષ ૨૦૧૭માં આ ગામમાં શિક્ષણનો પાયો નખાયો હતો. જાેકે, રસ્તો ન હોવાથી ચોમાસા દરમિયાન અહીં શિક્ષકો આવી શકતા નથી, જેથી શિક્ષણ કાર્ય બંધ રહે છે.

ખભે કાવડ બાંધી દૂધ ભરવા જવું પડે!

ગામલોકોનું કહેવું છે કે, ગોલાણા ગામે વચ્ચે નદી હોવાથી અમારે ૩.૫ કિમી સુધી કાદવ કીચડમાં ચાલીને મોટી બોરુ ગામે દૂધ ભરવા જવંુ પડે છે. રોજિંદા આ ગામમાંથી ૩૦૦ લિટર દૂધ લઈને જવું પડે છે, જેમાં દેશી લાકડીની આસપાસ બે કેન ટીંગાળીને લથડિયાં ખાતાં પહોંચીએ છીએ.

પાકા રસ્તાના અભાવે કેટલાય લોકોના જીવ ગયા!

ગ્રામજનોનું કહેવું છે કે, પાકો રસ્તો નહીં હોવાથી અહીં૧૦૮ પણ આવી શકતી નથી. ઘણીવાર દર્દીને નદીના તટ સુધી લાલતાં લાવતાં તબીયત વધુ કથળઈ જાય છે. મહિલાઓ અને વૃદ્ધોને સમયસર દવાખાનાની સુવિધા ન મળવાથી રસ્તામાં દમ તોડી દીધો હોય તેવાં દાખલાઓ પણ બની ચૂક્યાં છે.

વીજળી અમદાવાદથી આવી, રિપેરિંગ માટે ખંભાતના વીજ કર્મચારીઓને આવવું પડે છે!

અહીંના એક ગ્રામજનનું કહેવું છે કે, અમારા ગામમાં અમદાવાદના કોઠ ગામેથી વીજ સપ્લાય કરવામાં આવે છે. વીજ સપ્લાયમાં ખામી સર્જાય તો ખંભાત વીજ કચેરીએ સંપર્ક કરવો પડે છે. ૬૦ કિમીનું અંતર કાપીને વીજ કર્મચારીઓ અહીં આવે છે. ઘણી વાર તો વીજ પૂરવઠો કપાઈ ગયાં પછી ફરિયાદ કરતાં ચાર-પાંચ દિવસ પછી કર્મચારીઓ આવે છે. ત્યાં સુધી અમારે અંધારામાં જ રહેવું પડે છે.

સરકારનો વિકાસ જાેવા અમારે ગામ બહાર નીકળવું પડે છે!

એક ગ્રામજનનું કહેવું છે કે, હાલ વિકાસનાં નામે મત માગવામાં આવે છે, પણ જાે સરકારે શું વિકાસ કર્યોએ જાેવું હોય તો અમારે ગામની બહાર નીકળવું પડે એવી સ્થિતિ છે. એવો વિચાર આવે કે આજે વિકાસ જાેેવો છે તો અમારે અહીંથી બહાર નીકળવંુ પડે એવું છે! પણ શું કરીએ વડવાઓએ અમને અહીં રહેવાની ટેવ પાડી છે. પરિણામે અમે અહીં પડ્યાં છીએ.