ભરૂચ, તા.૧૦ 

પાલેજ સ્થિત ફિલિપ્સ કાર્બન કમ્પની ઘ્વારા વિપુલ પ્રમાણમાં કાર્બનડસ્ટ હવામાં છોડવાના મુદ્દે ગ્રામજનોએ હવે આર યા પાર ની લડાઈ છેડી છે. છેલ્લા પાંચ દિવસથી ગ્રામજનો કમ્પની સામે આંદોલન કરી રહ્યા છે. સરપંચને બાજુ પર મૂકી હવે ગ્રામજનો જાતે જ કાર્બન કમ્પની સામે મેદાનમાં ઉતર્યા છે. કોઈ પણ ભોગે લોકોના સ્વાસ્થ્ય સામે ખતરો ઉભી કરનાર કમ્પનીને બંધ કરાવીને જ રહીશું તેવા હુંકાર સાથે આજે આખું ગામ મુખ્ય બજારમાં ઉંટયું હતું.

ગ્રામજનોએ રોડ પર બેસી વિરોધ નોંધાવી સહી ઝુંબેશની શરૂઆત કરતા આવનારા દિવસોમાં ગ્રામજનોનું આંદોલન વધુ ઉગ્ર બને તેવા એંધાણ ઉભા થયા છે. આવતીકાલે ગ્રામજનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાને કંપની બંધ કરવા આવેદન આપશે. પાલેજમાં ફિલિપ્સ કાર્બન પ્રદૂષણનો મામલો વધુ ઘેરાતો જાય છે. સરકાર અને સરકારી પ્રતિનિધિઓ ચુપકીદી સાધીને બેસી જતા ગ્રામજનોએ આક્રમક રવૈયો અપનાવ્યો છે. ગામના સરપંચે પ્રથમ તબક્કામાં જ કમ્પનીને પ્રદુષણ બાબતે નોટિસ આપી કાર્યવાહી કરવી જોઈએ તેના સ્થાને તેમના પરિવારે કમ્પનીની તરફેણ કરતા ગ્રામજનો વધુ આક્રમક બન્યા છે. આજરોજ આખું ગામ મુખ્ય બજારમાં રોડ પર ઉતરી આવ્યું હતું.