જામનગર, રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. તમામ પક્ષો જીત મેળવવા માટે એડીચોંટીનું જાેર લગાવી રહ્યા છે. તેમજ ઉમેદવારોએ પણ પોતાના મતવિસ્તારમાં જાેરશોરથી પ્રયાર પ્રસાર તેજ કરી દીધો છે, પરંતુ કેટલાક ઉમેદવારોને પ્રચાર દરમિયાન વિરોધનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે જામનગર ગ્રામ્ય બેઠકના ભાજપના ઉમેદવાર અને કૃષિ મંત્રી રાઘવજી પટેલને પણ જામનગરની ભાગોળે આવેલા નવાનાગના ગામમાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો. સતવારા સમાજનું વર્ચસ્વ ધરાવતા નવાનાગમાં લોકોએ વિવિધ પ્રશ્ને રાઘવજી પટેલને ઘેરી લીધા હતા. ગામલોકોએ હલ્લાબોલ કરતા રાઘવજી પટેલને ભાષણ કર્યા વગર જ વિલા મોઢે પાછું જવું પડ્યું હતું. જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે રાત્રિના સમયે ગ્રામ્ય વિસ્તારમાં નવા નાગ ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલ પ્રચાર અર્થે ગયા હતા. જ્યાં ગામમાં ખાટલા બેઠકનું આયોજન હતું. જાેકે, બેઠક યોજાય તે પહેલા જ ગામલોકોએ રાઘવજી પટેલનો ઘેરાવ કર્યો હતો. નવાગામના પડતર પ્રશ્નોની અનેક વખત રજૂઆત કરી હોવા છતાં નિકાલ ન આવતા ગ્રામજનો વિફર્યા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ભારે ધાંધલ-ધમાલ શરૂ કરી દીધી હતી. ગામલોકોએ દેકારો બોલાવતા રાઘવજી પટેલે ગામલોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો જાેકે, મામલો શાંત ન પડતા રાઘવજી પટેલ ભાષણ કર્યા વગર જ ત્યાંથી રવાના થઈ ગયા હતા. જામનગર ગ્રામ્ય વિસ્તાર નવા નાગના ગામમાં મોટા પ્રમાણમાં સતવારા સમાજના લોકો રહે છે. ભાજપથી અત્યારે સતવારા સમાજના લોકો નારાજ જાેવા મળી રહ્યા છે. તે સમયે જ રાઘવજી પટેલ ગામમાં પ્રચાર કરવા ગયા હતા. ત્યારે સતવારા સમાજના લોકોએ રાઘવજી પટેલનો ઘેરાવ કરી દેકારો મચાવ્યો હતો. જેથી રાઘવજી પટેલ ભાષણ કર્યા વગર જ ચાલ્યા ગયા હતા. જામનગર ગ્રામ્ય બેઠકના ભાજપના ઉમેદવાર અને કૃષિ મંત્રી રાઘવજી પટેલને નવાનાગ ગામના લોકોએ અનેક પ્રશ્નોની રજૂઆત કરી હતી જાેકે, તે કામ થયા ન હતા.