અમદાવાદ, જ્યારથી કોરોના મહામારી દેશમાં પ્રવેશી છે ત્યારથી સરકાર અને પોલીસ સતત સંક્રમણથી બચવા માટે માસ્ક પહેરીને જ બહાર નીકળવાની અપીલ કરી રહી છે. માસ્ક ન પહેરનારા લોકો પાસેથી પોલીસ દંડ વસૂલી રહી હોવા છતાં કેટલાક લોકો તેના ધજાગરા ઉડાડતાં જાેવા મળી રહ્યા છે. અમદાવાદમાં પણ દિવાળી બાદ કોરોનાના કેસ વધતાં પોલીસે લોકોને સીધા કરવા માટે ડ્રાઈવ હાથ ધરી છે. આ દરમિયાન મંગળવારે માસ્કનું ઉલ્લંઘન કરવાના ૩,૯૭૮ ગુના નોંધાયા હતા. જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. આ સિવાય, શહેરમાં ડિસેમ્બર મહિનામાં માસ્કના ગુનાઓમાં સતત વધારો નોંધાયો છે. અમદાવાદમાં દર ૩૦ સેકંડે સરેરાશ એક વ્યક્તિ રસ્તા પર માસ્ક વગર પકડાય છે. શહેર પોલીસના એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, માસ્ક ન પહેરવા બદલના ૩,૯૭૮ કેસ નોંધાયા છે, જેના દંડ પેટે ૩૯.૭૮ લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા છે. ‘ડિસેમ્બરમાં પોલીસે મોટાભાગના દિવસોમાં ઓછામાં ઓછા ૩ હજાર કેસ નોંધ્યા હતા. જે સૂચવે છે કે, લોકો હજુ પણ માસ્ક પહેરતા નથી અને પોલીસે આવા ગુનેગારોને પકડવા માટે તેમની ઝુંબેશ તીવ્ર બનાવી દીધી છે’, તેમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, પહેલી ડિસેમ્બરથી લઈને ૧૫મી ડિસેમ્બરની વચ્ચે માસ્ક ન પહેરવા બદલ ૪૦,૫૭૮ ગુના નોંધાયા હતા. અને ગુનેગારો પાસેથી ૪.૦૫ કરોડ રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો હતો.