વડોદરા,તા.૫  

પાલિકામાં આઉટ ગ્રોથના સાત ગામોના સમાવેશ સામે ગ્રામજનોનો ઉગ્ર વિરોધ યથાવત રહેવા પામ્યો છે. જેના ભાગરૂપે પાલિકામાં સમાવિષ્ઠ સાત ગામોના વિરોધનું વાવાઝોડું પુનઃ ધબકતું થયું છે. ભાયલીના ગ્રામજનો દ્વારા પાલિકામાં નહિ જોડાવવા માટે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. ગ્રામજનોએ રસ્તા પર ચક્કાજામ કરીને રહીશોએ પાલિકાના શાસકોનો હુરિયો બોલાવ્યો હતો. તેમજ પાલિકાના શાસકોએ લીધેલા નિર્ણયને તત્કાળ પરત ખેંચવાની માગ કરી છે.તેઓએ આક્ષેપ કર્યો હતો કે પાલિકાના મેયર,કમિશ્નર કે સ્થાયી સમિતિના અધ્યક્ષ દ્વારા આ નિર્ણય લેતા પહેલા ગ્રામજનોનો અભિપ્રાય લેવો જોઈએ એ લીધો નથી. આ પાલિકામાં સમાવિષ્ઠ સાત ગામોના સરપંચો કે ગ્રામજનોને વિશ્વાસમાં લીધા વિના જ ૧૮ જૂનના રોજ રાજ્ય સરકાર દ્વારા જે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.એની સામે તેઓએ વિરોધ નોંધાવ્યો હતો. ભાયલીની જમીન સોનાની લગડી જેવી છે. એ જમીનો પાલિકા દ્વારા મળતિયાઓને ભવિષ્યમાં વેચી મારવામાં આવશે એવી ભીતિ પણ વ્યક્ત કરી છે. તેમજ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પાલિકા પોતાના વર્ષો જુના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી દુષિત પાણીનો પ્રશ્ન હાલ કરી શક્તિ નથી.ત્યારે નવા ગામો સમાવિષ્ઠ કરીને કેવી રીતે પહોંચી વળશે એવો પ્રશ્ન ઉઠાવ્યો છે.