મહેસાણા : મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણી જાહેર થયાના ગણતરીના કલાકોમાં જ ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી વિપુલ ચૌધરીની સીઆઇડી ક્રાઇમે ધરપકડ કરતાં દૂધના સહકારી રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. સાગરદાણ કૌભાંડના રૂ.૯ કરોડની ચૂકવણીમાં મદદ કરવા હાલના ચેરમેન સહિત ૩ હોદ્દેદારોએ ગત વર્ષે ડેરીના કર્મીઓના બોનસની રૂ.૧૪.૮૦ કરોડની ઉચાપત મામલે વિપુલ ચૌધરી સહિત કુલ ૪ વ્યક્તિઓ સામે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ હતી. જે કેસમાં સીઆઇડી ક્રાઇમે શનિવારે સાંજે ગાંધીનગરથી અટકાયત કરી હતી અને રવિવારે કોર્ટમાં રજૂ પોલીસે ૧૪ દિવસના રિમાન્ડ માંગતાં ૪ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. જ્યારે હવે તેમના ૧૮ ડિસેમ્બર સુધી જ્યારે ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોંઘજીભાઇ ધનજીભાઇ પટેલના ૧૯ ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યાં છે.મંગળવારે સીઆઇડી ક્રાઇમે ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોંઘજીભાઇ દેસાઇ (ચૌધરી)ની પણ જેલમાંથી ટ્રાન્સફર વોરંટ આધારે ધરપકડ કરી હતી. ઘી ભેળસેળ મામલામાં જેલમાં ધકેલાયા બાદ મોંઘજીભાઇને જામીન મળ્યા બાદ બોનસ મામલામાં ફરી ધરપકડ કરાઇ હતી. હવે તેમના ૧૯મી ડિસેમ્બર સુધીના રીમાન્ડ મંજુર કરવામાં આવ્યાં છે. આ અંગે પૂર્વ ડિરેક્ટર રામજીભાઈ દેસાઈએ જણાવ્યું કે, વિપુલભાઇની ધરપકડ એ રાજકીય કિન્નાખોરી છે. કારણ કે, વિપુલ ચૌધરી આ વખતે સીધા બિનહરીફ આવી જાય તે કોઇને પોષાય તેમ નથી.