નવી દિલ્હીઃ 

ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ રમ્યા બાદ ભારત પરત ફરશે. વિરાટે પહેલા તેની જાણકારી બીસીસીઆઈને આપી દીધી હતી. બોર્ડની બેઠકમાં જણાવવામાં આવ્યું કે, રોહિત શર્માને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વિરાટ જાન્યુઆરીમાં પિતા બનવાનો છે અને આ કારણે તે ત્રણ ટેસ્ટ મેચ રમશે નહીં. 

ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ 27 નવેમ્બરથી શરૂ થવાનો છે. ટીમ પહેલા ત્રણ વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમશે અને ત્યારબાદ ત્રણ ટી20 મેચોની સિરીઝ રમાશે. સીમિત ઓવરોની સિરીઝ બાદ ચાર ટેસ્ટ રમાશે. આ લાંબા પ્રવાસ પર જઈ રહેલી ભારતીય ટીમની સામે સવાલોનું લાંબુ લિસ્ટ છે. રવિવારે સીનિયર ટીમની સિલેક્શન કમિટીની બેઠક યોજાઇ અને બોર્ડની મેડિકલ ટીમના રિપોર્ટ બાદ કેટલાક રિપ્લેસમેન્ટ પસંદ કરવામાં આવ્યા છે.

26 ઓક્ટોબરે યોજાયેલી બીસીસીઆઈની પસંદગી સમિતિની બેઠકમાં વિરાટ કોહલીએ જણાવી દીધું હતું કે, તે એડિલેડ ટેસ્ટ બાદ ભારત પરત ફરશે. જાન્યુઆરીમાં વિરાટ પિતા બનવાનો છે અને આ તકે તે પત્ની અનુષ્કા સાથે રહેવા ઈચ્છે છે. 17 ડિસેમ્બરથી પ્રથમ ટેસ્ટ એડિલેડમાં રમાશે. આ ડે-નાઇટ ટેસ્ટ હશે.

બીસીસીઆઈએ અખબારી યાદી જાહેર કરીને આ વાતની જાણકારી આપી છે. રોહિત શર્માને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. રોહિતને પહેલા ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર પસંદ કરાયો નહતો ત્યારબાદ વિવાદ થયો હતો. બીસીસીઆઈની મેડિકલ ટીમ રોહિતની ફિટનેસ પર નજર રાખી રહી છે અને આ વિશે પસંદગી સમિતિને જાણકારી આપવામાં આવી છે. શર્મા વિશે સમિતિની સલાહ છે કે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વનડે અને ટી20 મેચોમાં તેને આરામ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેથી તે ટેસ્ટ સિરીઝ, જેની ટીમમાં તેને સામેલ કરવામાં આવ્યો છે, તે ફિટ થઈ જાય.