વડોદરા : વડોદરા મહાનગર પાલિકાના ૧૯ વોર્ડની ૭૬ બેઠકોને માટે આગામી દિવસોમાં યોજાનાર ચૂંટણીઓને માટે પાલિકા દ્વારા ચૂંટણીલક્ષી કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મતદાર યાદીના કાર્યક્રમો પૂર્ણ કર્યા પછીથી હવે પાલિકા દ્વારા બીજા તબક્કામાં ૧૯ વોર્ડની ચૂંટણીઓને માટે પાલિકાના ગોડાઉનમાં રાખવામાં આવેલ છ હજાર જેટલા ઇવીએમની એફએલસી એટલેકે ફર્સ્‌ટ લેવલ ચેકિંગની કામગીરીનું કાર્ય શરુ કરવામાં આવ્યું છે. જે કામગીરી પાલિકાના વોર્ડ નંબર ચારની કચેરીમાં માંજલપુર ખાતે આવેલ ગોડાઉન ખાતે શરુ કરવામાં આવી છે. આ કાર્ય ઇવીએમની ઉત્પાદક કંપનીના ઇજનેરો આગામી ૨૭મી જાન્યુઆરી પહેલા પૂર્ણ કરશે. આ સમગ્ર કામગીરીનું પાલિકાના ડેપ્યુટી કમિશ્નર- વહીવટ સુધીર પટેલ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેને તબક્કાવાર રોજના બે કે ત્રણ વોર્ડના ઇવીએમની ચકાસણી કરીને વહેલામાં વહેલી તકે પૂર્ણ કરશે. જે લક્ષ્યાંકની તારીખ પહેલા પૂર્ણ કરવાનો લક્ષ્યાંક હોવાનું પાલિકાના અધિકારીએ ઉમેર્યું હતું. આ કામગીરીમાં પાલિકાના અધિકારીઓ ઉપરાંત કંપનીના ઇજનેરો એક સાથે કામગીરી કરી રહ્યા છે. જેમાં ઈવીએમ મશીનોની ઉત્પાદક કંપની ભારત ઇલેક્ટ્રોનિક્સના ઇજનેરો દ્વારા આ તમામ ઇવીએમની બેટરી, સ્વીચ, લાઈટ સહિતના વિવિધ પારિતોની સંપૂર્ણ ચકાસણી કરીને એમાં જે કઈ સુધારા વધારા કે રીપેરીંગ કરવાના હશે એ કરીને ઓકેનું સ્ટીકર લગાવશે. ત્યારબાદ જ આગામી ચૂંટણીઓમાં આનો ઉપયોગ થઇ શકશે. આમ પાલિકાના તંત્ર દ્વારા પાલિકાના વિવિધ વોર્ડની બેઠકોને માટેની આગામી ચૂંટણીઓને લઈને ક્રમશઃ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ઇવીએમની ચકાસણી કરવાને માટે આવેલા ઇજનેરો દ્વારા અંદાજે બે હજાર જેટલા કંટ્રોલ યુનિટો અને ચાર હજાર જેટલા બેલેટ યુનિટોની એક એક કરીને ચકાસણી કરવામાં આવશે.તેમજ જે પણ યુનિટમાં કોઈપણ પ્રકારની ક્ષતિ જણાશે તો એને તુર્તજ અહીં દુરસ્ત કરીને તૈયાર કરી દેવામાં આવશે. જે કોઈ યુનિટમાં વધુ પડતી તકલીફ લાગશે તો એને પરત ખેંચીને નવા યુનિટો આગામી દિવસોમાં ફાળવી દેવામાં આવહે. પાલિકા આવા યુનિટોને કાઢી નાખીને જરૂરિયાત મુજબ નવા યુનિટોની ખરીદી તાકીદે કરી લેશે. રાજ્ય ચૂંટણી પંચના આદેશ મુજબ આ ઇવીએમની ચકાસણીઓની કામગીરી આગામી ૨૭ જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરવાની છે. પરંતુ પાલિકાના અધિકારીઓ એ લક્ષ્યાંકની તારીખ પહેલા કામગીરી પૂર્ણ કરવાંના લક્ષ્યાંક સાથે કામગીરી કરી રહ્યા છે. એ જાેતા હવે આગામી સપ્તાહમાં ગમે તે ઘડીયે પાલિકાની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવશે એમ માનવામાં આવી રહ્યું છે. અલબત્ત પાલિકાના પૂર્વ શાસકો દ્વારા તો ચૂંટણીની કોઈપણ પ્રકારની જાહેરાત થાય એ પહેલા જ ચૂંટણી કાર્યાલયો ખોલીને પ્રચાર પ્રસારની કામગીરી શરુ કરી દીધી છે. તેઓમાં હવે ઈવીએમ મશીનોની ચકાસણીના કાર્યનો પ્રારંભ થતા ચૂંટણીના પડઘમનો અંદેશો આવી જતા ખુશી બેવડાઈ ગઈ છે. તેમજ હવે આગામી દિવસોમાં ઉત્તરાયણનો તહેવાર પૂર્ણ થતાની સાથે જ રાજકીય પક્ષોના નેતાઓ દ્વારા પોતપોતાના વિસ્તારમાં પ્રચાર પ્રસારની કામગીરીને વેગવંતી બનાવી દીધી છે. પાલિકાને ૨૭ જાન્યુઆરી પહેલા ઈવીએમ મશીનોની ચકાસણી પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેને લઈને આ મુદ્દતના એક માસ બાદ ગમે તે ઘડીયે ફેબ્રુઆરીના અંતમાં કે માર્ચના પ્રથમ સપ્તાહમાં પાલિકાની ચૂંટણીઓ યોજાવવાની શક્યતાઓ રાજકીય નિષ્ણાતો જાેઈ રહ્યા છે.