આણંદ : આણંદ જિલ્લામાં ચૂંટણીનો રંગ જામી રહ્યો છે. રાજકીય પક્ષોના કાર્યકરો ગામે ગામ અને ઘરે ઘરે પ્રચારમાં લાગ્યા છે. ચૂંટણી પહેલાં મુખ્યમંત્રીએ કોરોના ગાઈડલાઈન હળવી કરી અને મુખ્યમંત્રી જ કોરોનામાં સપડાયા છે. આણંદ જિલ્લાનાની વાત કરીએ તો છેલ્લા ૭ દિવસમાં ૩૬થી વધુ કેસો નોંધાયા છે. જ્યારે પેટલાદના ડેમોલમાં કોરોના વિસ્ફોટ થયાની માહિતીએ સમગ્ર તંત્રને હચમચાવી મુખ્યું છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના આણંદ આગમના એક દિવસ પૂર્વે જ આણંદ જિલ્લામાં કોરોનાનો સંકજાે વધતા રાજકીય કાર્યકરોમાં ભય અને ચિંતાઓ માહોલ વ્યાપ્યો છે, જ્યારે ભાજપના જિલ્લા હોદ્દેદારોમાં રાજકીય સભામાં સંખ્યાને લઈ ચિંતા છે.

આણંદ જિલ્લાના લોકડાઉન અનલોક થતાં નાગરિકોએ મનગમતા પ્રવાસ અને યાત્રાએ નીકળી પડ્યા છે. પેટલાદ તાલુકાના ડેમોલ ગામમાં ૩૦૦૦ જેટલી વસ્તી છે. મહિલા મંડળ કોરોના લોકડાઉન બાદ ધાર્મિક યાત્રાએ નીકળ્યાં હતાં. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહે એક દિવસીય ધાર્મિક યાત્રા કરી પરત ફર્યા હતાં. ત્યારબાદ બીજા સપ્તાહે ગામના યુવાનો પણ ધાર્મિક યાત્રાએ ગયાં હતાં. તે બાદ ગામમાં તાવ, શરદી અને ઉધરસના કેસોમાં વધારો થયો હતો. કેટલાંક નાગરિકોએ આ બાબતે કોરોના ટેસ્ટ કરાવતાં તેઓ પોઝિટિવ આવતાં ગામમાં હડકંપ મચી હતી. ગઈકાલે સાંજથી ગામમાં કોરોના સંક્રમિત કેસોની સ્થિતિ વધુ વિકરાળ બનતાં ગામને સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરાયું છે.

મહત્વનું છે તંત્ર ગામના યુવાનોએ આક્ષેપ કર્યો હતો કે, લોકોને આરોગ્ય સેવા આપવામાં આનાકાની અને ઉદાસીનતા દાખવવામા અઆવી રહી છે. આરોગ્ય ટીમ દ્વારા કોરોના ટેસ્ટિંગ કરવામાં આવતું નથી અને નાગરિકો સાથે બિનસંવેદનશીલ વ્યવહાર રાખે છે. આ બાબતને લઈ આરોગ્ય તપાસ ટીમ અને યુવાનો વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ તંત્ર હરકતમાં આવ્યું અને ગામમાં સર્વેલન્સ અને કોરોના ટેસ્ટિંગ શરૂ કરાયું છે. ગામમાં ૫૦ જેટલાં લોકો હોમક્વોરોન્ટાઈન થયાની માહિતી મળી છે.

જાેકે સરકારી તંત્ર સાચા આંકડા છુપાવી રહ્યું હોવાના આરોપ પણ લાગી રહ્યાં છે. આ બાબતે સૂત્રોના જણાવ્યા મુજબ, જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ૮ ટીમો કામે લગાડાઈ છે. ૧ ટીમ ટેસ્ટિંગ કરે છે જ્યારે બીજી ૭ ટીમો સર્વેલન્સની કામગીરીમાં છે. ગઈકાલે ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. સવારે ૨ કલાક અને સાંજે ૨ કલાક ગામ લોકોને જીવન જરૂરિયાત અને અન્ય કામ અર્થે છૂટછાટ આપવામાં આવી છે. આ બાબતે ડેમોલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સેક્રેટરીએ જણાવ્યું હતું કે, ડેરીમાં કોરોના ગાઈડલાઈન મુજબ જ દૂધ લેવામાં આવે છે. તમામને સેનેટાઈઝિંગ અને માસ્ક ફરજિયાત છે. વળી હાલની વિકટ પરિસ્થિતિને લઈ ૧૮ ફેબ્રુઆરીએ મળનાર દૂધ મંડળીની વાર્ષિક સાધારણ સભા રદ કરવામાં આવી હતી. આ બાબતે ચાંગા પીએચસીના ડોક્ટરના જણાવ્યા મુજબ, ૧૫ તારીખથી અત્યાર સુધી ૫૩૫ ઘરોમાં આરોગ્ય સર્વેલન્સ કરવામાં આવ્યું છે, જેમાં ૨૯ જેટલાં નાગરિકોમાં કોરાના સંક્રમણ જણાયું છે, જેમાં ૫૮ વર્ષનાં મહિલાને કરમસદ હોસ્પિટલમાં દાખલ કરાયાં છે, જ્યારે અન્ય દર્દીઓને હોમક્વોરોન્ટાઈન કરાયાં છે.