વડોદરા, તા.૬

ધારાસભ્ય તરીકે વિસ્તારના વિકાસને પ્રોત્સાહન આપવાને બદલે જમીનો ઉપર ગેરકાયદેસર કબજાે જમાવી બેઠેલા ભૂમાફિયાઓની તરફદારી કરનાર વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના નિવેદનોથી મતદારોમાં જ વિરોધવંટોળ શરૂ થયો છે. ધારાસભ્ય હોદ્દાનો દુરુપયોગ કરી દબાણકર્તાઓને પીઠબળ આપતા હોવાના મુદ્દે મધુ શ્રીવાસ્તવના મતદારો જ ખફા થયા છે.જરોદ ગ્રામ પંચાયતમાં સરકારી જગ્યામાં કાચા-પાકા ગેરકાયદેસર દબાણો કરી કાયમી કબજાે જમાવનારના દબાણો નહિ તોડાવી પોતાની સત્તાનો દુરુપયોગ કરી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દબાણકર્તાઓને છાવરી રહ્યા છે તેવો સવાલ ગ્રામજનોમા ચર્ચાઈ રહ્યો છે. શું ધારાસભ્ય પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ભૂમાફિયાઓને પીઠબળ તો નથી આપી રહ્યા ને? તેવી શંકા ગ્રામજનો સેવી રહ્યા છે. થોડા સમય પહેલા જરોદ ગ્રામ પંચાયતે ભૂમાફિયાઓ સાથે મળી ૨૬ દુકાનોનું ગેરકાયદેસર શોપિંગ સેન્ટર દલિતોની સ્મશાનભૂમિ ઉપર ઊભું કરાયેલું જે ટીડીઓ દ્વારા તોડી પડાયાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં અન્ય દબાણો પણ ગ્રામજનોની અરજી મારફતે તાલુકા વિકાસ અધિકારીના ધ્યાને આવ્યા હતા. જરોદ ગ્રામ પંચાયતે તમામ નડતરરૂપ દબાણો દૂર કરવા ગુજરાત અધિનિયમન પંચાયત ધારાની કલમ-૧૦૫ હેઠળ ૨૫૦થી વધારે લોકોને નોટિસ બજાવી હતી. કાચા દબાણો જેવા કે નાના લારી-ગલ્લાધારકોએ દૂર કરતા તેમનો ભોગ લેવાયો, જ્યારે દુકાનોના ઓટલા, લટકણીયા, શેડ અને નડતરરૂપ મોટા પાક્કા દબાણો ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે નહિ તોડવા દેવાતાં ગામમાં વિવાદ વધાર્યો છે. નાના-મોટા વેપારીઓ વચ્ચે ભેદભાવ રાખ્યો છે.વાઘોડિયાની જેમ જરોદમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાય અને ટ્રાફિકની કાયમી સમસ્યાથી છુટકારો મળે તેમજ જે પણ લોકોએ પંચાયતમાં ગેરકાયદેસર દબાણો ઊભા કરી દુકાનો, કેબિનો અન્યને ભાડે, વેચાતી આપી ધંધો કર્યો છે તેવા લોકો ખુલ્લા પડે, દબાણો હટે અને રાહદારીઓ તેમજ ગ્રામજનોને અવરજવરમાં રાહત થાય અને જરોદનો વિકાસ થાય તેવા ઉદ્દેશથી વર્ષ ૨૦૧૬ થી ૨૦૨૨ સુધી દબાણ બાબતે અસંખ્ય અરજીઓ વાઘોડિયા તાલુકા પંચાયત કચેરી સહિત પીએમ પોર્ટલને મળી છે. પરંતુ અધિકારીઓ જ્યારે દબાણો હટાવવા આવે ત્યારે વર્ષોથી ગંદા રાજકારણીઓ આવા દબાણો દૂર થવા દેતા નથી, જેની સામે અરજદારોમાં રોષની લાગણી છે. અરજદારોએ ગામનો વિકાસ થાય અને પંચાયતમાં ગેરકાયદેસર દબાણો દૂર થાય તે માટે પંચાયતથી માંડી પીએમ પોર્ટલ સુધી વારંવાર ફરિયાદો કરી છે. વાઘોડિયામાં આવેલ નીડર અને નિષ્પક્ષ તાલુકા વિકાસ અધિકારી કાજલ આંબલિયાની પ્રસંશનીય કામગીરીથી આ દબાણો દૂર થાય તેવી આશા બંધાઈ હતી, પરંતુ દબાણો દૂર થાય તે અગાઉ જ ધારાસભ્યને વેપારીઓ દ્વારા ગેરમાર્ગે દોરાવી મોટા દબાણો તૂટે નહિ અને કાયમી કબજાે જમાવી શકાય તેવા આશયે ગેરમાર્ગે વેપારીઓ પોતાના સ્વાર્થ ખાતર દોરી રહ્યા છે અને આ બાબતે વિવાદાસ્પદ નિવેદન મુદ્દે ધારાસભ્ય ઘેરાયા છે. જરોદના વિકાસ માટે નડતરરૂપ દબાણો દૂર થવા જ જાેઈએ તેવું સ્થાનિકોનું માનવું છે.નોટિસના સાત દિવસ બાદ પણ ગેરકાયદેસર નડતરરૂપ દબાણો દૂર થાય નહિ તે માટે ધારાસભ્યને રજૂઆત કરતા મધુભાઈએ અટકાવ્યા હતા. ધારાસભ્ય ભલે કહેતા હોય કે દબાણો વેપારીઓએ સ્વૈચ્છિક દૂર કર્યા છે. પરંતુ આજે પણ જરોદમા દુકાનો, લારી, ગલ્લા, કેબિનો યથાવત્‌ છે. ત્યારે ગ્રામજનો હવે કાયદાનો સહારો લઈ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાના મુડમાં છે.