અમદાવાદ-

આજે 11મા રાષ્ટ્રીય મતદાર દિવસ નિમિત્તે દેશના વડા ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ કહ્યું છે કે મતદારોને દૂરના સ્થળેથી પણ મતદાન કરવાની સુવિધા પૂરી પાડી શકાય એ માટેની યંત્રણાની 'મોક ટ્રાયલ્સ' ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે. રીમોટ વોટિંગ સુવિધા આઈઆઈટી-મદ્રાસ સંસ્થાના સહયોગમાં અને અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગ સાથે કરવામાં આવનાર છે. રીમોટ વોટિંગનો મતલબ ઘેર બેઠાં વોટ આપવાનો નથી. આ પરિકલ્પનામાં, બાયોમેટ્રિક ડીવાઈસીસ અને વેબ કેમેરા સાથે એનેબલ્ડ કરાયેલી ડેડિકેટેડ ઈન્ટરનેટ લાઈન્સ પર વ્હાઈટ-લિસ્ટેડ ઘોષિત ડીવાઈસીસ પર નિયંત્રિત પરિસ્થિતિ અંતર્ગત ટુ-વે ઈલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ છે. તેમાં મતદારોએ આ સુવિધાનો ઉપયોગ કરવા માટે પૂર્વનિર્ધારિત સમયગાળા દરમિયાન એક નિશ્ચિત સ્થળે પહોંચવાનું રહેશે.

આ યોજના-સુવિધા માટે બ્લોકચેન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવનાર છે. દૂરના સ્થળેથી (રીમોટ) આપવામાં આવેલા મતને મતગણતરી તબક્કા પૂર્વે ક્રોસ-ચેક કરવામાં આવશે, એ જોવા માટે કે એની સાથે કોઈ પ્રકારની છેડછાડ કરવામાં તો નથી આવીને. દરમિયાન, હવે વોટર IDની PDF આવૃત્તિ પણ પ્રાપ્ત થશે. આજથી નવા વોટર IDની PDF કોપી ડાઉનલોડ કરી શકાશે, જૂના વોટર્સ માટે આ સુવિધા 1 ફેબ્રુઆરીથી લાગુ કરવામાં આવશે.