વડોદરા : ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્યની છ મહાનગર પાલિકાઓ, ૮૧ નગરપાલિકાઓ, ૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૧ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ અને અન્ય સ્વરાજ્ય એકમોની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે. વડોદરા શહેર જિલ્લામાં ચૂંટણીઓની જાહેરાત થતા રાજકીય પક્ષો એક્શનમાં આવ્યા છે. જ્યાં સુધી વડોદરા શહેર - જિલ્લાને લાગેવળગે છે ત્યાં સુધી વડોદરા મહાનગર પાલિકાના ૧૯ વોર્ડની ૭૬ બેઠકોની, ડભોઇ, પાદરા અને સાવલી ત્રણ નગર પાલિકાઓની કુલ ૮૮ બેઠક ઉપરાંત જિલ્લા પંચાયતની ૩૪ અને તાલુકા પંચાયતની ૧૬૮ બેઠકોને માટે ચૂંટણી યોજાશે. વડોદરા શહેરની ચૂંટણીઓને માટેનું જાહેરનામું પહેલી ફેબ્રુઆરીના રોજ અને જિલ્લા, તાલુકા પંચાયત તથા નગર પાલિકાઓને માટેનું જાહેરનામું આઠમી ફેબ્રુઆરીના રોજ બહાર પડાશે. શહેરમાં છઠ્ઠી ફેબ્રુઆરી સુધી અને જિલ્લામાં તેરમી ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. જેની ચકાસણી શહેરના ફોર્મની આઠમી અને જિલ્લાના ફોર્મની પંદરમી ફેબ્રુઆરીએ કરાશે. આ પ્રમાણે શહેરના ફોર્મ નવમી અને જિલ્લાના સોળ ફેબ્રુઆરી સુધી પરત ખેંચી શકાશે. જ્યારે વડોદરા શહેરનું મતદાન ૨૧ મી ફેબ્રુઆરીના રોજ અને જિલ્લાનું મતદાન ૨૮ ફેબ્રુઆરીના રોજ સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી યોજાશે. જાે પુનઃ મતદાનની જરૂર હશે તો શહેરમાં ૨૨ મી ફેબ્રુઆરીએ અને જિલ્લામાં પહેલી માર્ચે કરાશે. જ્યારે મતગણતરી વડોદરા પાલિકાની ચૂંટણીઓને માટેની ૨૩ ફેબ્રુઆરીના રોજ અને જિલ્લા - તાલુકા પંચાયતો અને ત્રણ નગર પાલિકાઓની બીજી માર્ચના રોજ કરવામાં આવશે. જ્યારે શહેરની ચૂંટણી પ્રક્રિયા ૨૬ ફેબ્રુઆરીના રોજ અને જિલ્લાની ચૂંટણી પ્રક્રિયા પાંચમી માર્ચના રોજ પૂર્ણ કરાશે. આ વખતની ચૂંટણીઓમાં કોવિદના બહાના હેઠળ મતગણતરી શહેર - જિલ્લાની અલગ અલગ દિવસે રાખવામાં આવતા એનો ઉગ્ર વિરોધ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે.  

રાજકીય પક્ષો ચૂંટણી લડવા માટે સજ્જ: જીતના દાવા વ્યક્ત કરાયા

વડોદરા મહાનગર પાલિકા ઉપરાંત વડોદરા શહેર જિલ્લામાં જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓ તથા ત્રણ નગર પાલિકાઓની ચૂંટણીઓ યોજાનાર છે. આ ચૂંટણીઓને લઈને તમામ રાજકીય પક્ષો દ્વારા પોતે ચૂંટણી લડવાને માટે સજ્જ હોવાનો દાવો કર્યો છે. એની સાથોસાથ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જાે કે આ દાવાઓ કેટલા સાચા અને કેટલા ખોટા પડે છે. એતો ચૂંટણીના પરિણામો આવ્યા પછીથી જ ખબર પડશે. પરંતુ અત્યારે તો તમામ પક્ષો જીતનો દાવો બનાવીને ચૂંટણી લડવાને માટે મેદાનમાં ઉતારનાર છે.  

વડોદરા જિલ્લામાં કઈ કઈ તાલુકા પંચાયતમાં ચૂંટણીઓ યોજાશે  

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આગામી ૨૮મી ફેબ્રુઆરીને રવિવારના રોજ વડોદરા જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓનંહ મતદાન યોજાનાર છે. જેમાં વડોદરા જિલ્લાની આઠ તાલુકા પંચાયતોની ચૂંટણીઓ યોજાશે. આઠ તાલુકા પંચાયતોમાં વડોદરા તાલુકા ઉપરાંત પાદરા, ડભોઇ,કરજણ, સાવલી,શિનોર,વાઘોડિયા અને ડેસરનો સમાવેશ થાય છે. જ્યારે જીલ્લાની ડભોઇ-૯ વોર્ડની ૩૬ બેઠક, પાદરા પાલિકાની ૭ વોર્ડની ૨૮ બેઠક અને સાવલી પાલિકાની ૬ વોર્ડની ૨૪ બેઠકોનું ૨૮મીના રોજ મતદાન યોજાશે.