વડોદરા : જિલ્લા પંચાયતની ૩૪, ૮ તાલુકા પંચાયતની ૧૬૭ તેમજ ડભોઇ, પાદરા અને સાવલી નગરપાલિકાની ૮૩ બેઠકો માટે આવતીકાલે યોજાનારી સામાન્ય ચૂંટણી નિમિત્તે જિલ્લા ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલે દશરથ ખાતે મતદાન સામગ્રીના વિતરણનું નિરીક્ષણ કર્યું હતું. નગરપાલિકા વિસ્તારો અને તાલુકાઓ ખાતે કુલ ૧૧ કેન્દ્રો ખાતે રવિવારે મતદાન કરાવવા માટે જરૂરી મતદાન સામગ્રીના વિતરણ સાથે પોલિંગ સ્ટાફને જે તે મતદાન મથકો પર રવાના કરાયા હતા.

વડોદરા જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો માટે ૧૦૪ તેમજ ૮ તાલુકા પંચાયતોની ૧૬૭ બેઠકો માટે ૪૪૭ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આવતીકાલે ૯.૬૧ લાખ મતદારો આ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં બંધ કરશે, જ્યારે નગરપાલિકાની ૮૩ બેઠકો માટે ૨૧૯ ઉમેદવોરો મેદાનમાં છે. નગરપાલિકાના ૯૪,૨૫૦ મતદારો મતદાન કરશે. સરળ અને શાંતિપૂર્ણ મતદાન માટે જરૂરી પોલીસ બંદોબસ્તની સમીક્ષાના ભાગરૂપે તેમણે સાવલી, વાઘોડિયા અને ડભોઇની જિલ્લા

પોલીસ અધિક્ષક ડો.સુધીર દેસાઈ સાથે મુલાકાત લીધી હતી અને જરૂરી જાણકારી મેળવવાની સાથે નિરીક્ષણ કર્યું હતું. ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલે જણાવ્યું કે સમગ્ર જિલ્લામાં જિલ્લા/તાલુકા પંચાયત માટે ૮ મતદાન સામગ્રી વિતરણ અને સ્વીકાર કેન્દ્ર તથા ડભોઇ,

પાદરા અને સાવલી નગરપાલિકા માટે ૩ મતદાન સામગ્રી વિતરણ અને સ્વીકાર કેન્દ્ર, આમ કુલ ૧૧ કેન્દ્રો પરથી કામગીરી કરવામાં આવી હતી અને પોલિંગ સ્ટાફને ઈવીએમ સહિત મતદાન માટેની સામગ્રી સાથે તેમને ફાળવેલા મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા દરમિયાન કોવિડ-૧૯ની ગાઈડલાઈનનું અચુકપણે પાલન કરવામાં આવ્યું હતું. સમગ્ર કામગીરી દરેક મથકના ઝોનલ ઓફિસરની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી. મતદાન પણ કોવિડ ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન કરીને કરાવવામાં આવશે. આ સંદર્ભમાં પંચની સૂચનાઓનું પાલન કરીને મતદાન ટુકડીઓને જરૂરી સાધનસામગ્રી આપવામાં આવી છે. આવતીકાલે સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા બાદ રિસિવિંગ સેન્ટરો પર ઈવીએમ સહિત સામગ્રી પહોંચ્યા બાદ જે તે તાલુકા મથકે મતદાન કેન્દ્રો ખાતેના સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવશે અને તા.૨ માર્ચના સવારે ૯ વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે.