આણંદ, તા.૧૬  

છેલ્લાં બે માસથી હિન્દુ યુવતીને ભગાડી જવાના ગુના ઉપરાંત અપહરણ અને દુષ્કર્મ અને લવ જેહાદના ગુનામાં પોલીસ ચોપડે વોન્ટેડ બોરસદના નાપાતળપદનો કૂખ્યાત આલેફખાન ઊર્ફે લવિંગખાન રસુલખાન પઠાણને આખરે વિદ્યાનગર પોલીસે મંગળવારે મોડી રાત્રે માતરના મહેલજથી ઝડપી પાડ્યો હતો. તેનો કોરોના રિપોર્ટ કરાવતાં નેગેટિવ આવ્યો હતો. આરોપીને પાસા હેઠળ સુરત જેલમાં ધકેલવામાં આવ્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ, ગત નવેમ્બરમાં લવિંગખાન વાંસીખીલીયા ગામની એક હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો હતો. આ બનાવ સંદર્ભે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નહોતી. માત્ર અરજી જ લેવામાં આવી હતી. આ મામલે હિન્દુ સંગઠનો સક્રિય થતાં જ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ગત ૨૫મી મેના રોજ લવિંગખાન વિરુદ્ધ બોરસદની મહિલાઓએ આવેદનપત્ર આપ્યું હતું. વિફરેલી મહિલાઓએ બંગડીઓ ફેંકી દેખાવો કર્યા હતા. બીજી તરફ કલેક્ટરે પણ કૂખ્યાત લવિંગખાન પઠાણને પાસા હેઠળ ધરપકડ કરીને સુરતની જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.

આરોપી સામે અપહરણ, લવજેહાદ, જાતીય અત્યાચાર અને જમીન પર કબજાે જમાવવા સહિતના અનેક ગુનાઓ નોંધાયેલાં હોવાથી પોલીસ તેને શોધતી હતી. વર્ષ ૨૦૧૧માં તેની વિરુદ્ધ પ્રથમ બોરસદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં મારામારી અને જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાઈ હતી. એ પછી આ સિલસિલો ચાલું રહ્યો હતો. એ પછી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં હથિયાર સાથે ધમકી આપવી, રાયોટિંગ, હત્યાના પ્રયાસ, અન્યની માલ-મિલકત પર કબજાે જમાવવો, ગુનાહિત ષડયંત્ર રચવું, દુષ્કર્મ, અપહરણ સહિતની કલમો હેઠળ ફરિયાદો નોંધાઈ હતી.

વર્ષ ૨૦૧૧થી લઈને વર્ષ ૨૦૨૦ના નવ વર્ષના સમયમાં તેના વિરુદ્ધ ૧૩ ફરિયાદો નોંધાઈ હતી. મોટાભાગે સામા પક્ષને ડર બતાવી સમાધાન કરી લેતો હતો. કેટલાંક કેસ હાલ કોર્ટમાં છે. પોલીસ સાથેની સાઠગાંઠને કારણે લવિંગખાને બોરસદ વિસ્તારમાં ધાક જમાવી હતી.