ઉત્તરપ્રદેશ,

ઉત્તર પ્રદેશના કાનપુરમાં ગેંગસ્ટર વિકાસ દુબેને યૂપી એસટીએફ એ ઠાર માર્યો છે. મૂળે, ઉજ્જૈનથી ધરપકડ કરવામાં આવેલા વિકાસ દુબેને યૂપી એસટીએફ 3 ગાડીઓ દ્વારા 700 કિલોમીટર દૂર કાનપુર લાવી રહી હતી. અહીં કાનપુર રૂરલમાં અચાનક એસટીએફની એ ગાડી દુર્ઘટનાગ્રસ્ત થઈ જાય છે, જેમાં વિકાસ દુબે સવાર હતો. ત્યારબાદ શરૂ થાય છે એન્કાઉન્ટર  જે 10 મિનિટ બાદ જ વિકાસ દુબેનું મોત અને 4 સિપાહીઓના ઘાયલ થવાના રૂપમાં સમાપ્ત થાય છે.

એસએસપી અને હૉસ્પિટલના ડૉક્ટરોએ વિકાસ દુબેના મોતની પુષ્ટિ કરી દીધી છે. કાનપુરના આઈજી મોહિત અગ્રવાલે પણ ગેંગસ્ટર વિકાસ દુબેના મોતની પુષ્ટિ કરી છે. કાનપુરના એસએસપી દિનેશ કુમાર પી. એ જણાવ્યું કે, એસટીએફની ગાડી દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ દરમિયાન આરોપી વિકાસ દુબેએ કારમાં સવાર પોલીસકર્મીની પિસ્તોલ છીનવી ફાયરિંગ કરતાં ભાગવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન એસટીએફની બીજી ગાડીઓ પહોંચી ગઈ અને પોલીસની જવાબી ફાયરિંગમાં વિકાસ દુબેને ગોળી વાગી. બીજી તરફ, અહેવાલ છે કે ચાર પોલીસકર્મી ઘાયલ થયા છે, જેમાં એક ઇન્સ્પેક્ટર, એક એએસઆઈ અને બે સિપાહી ઘાયલ છે.

જાણો, ક્યારે શું થયું..

1. યૂપી એસટીએફ વિકાસ દુબેને ઉજ્જૈનથી કાનપુર લઈને જઈ રહી હતી. 

2. સવારે લગભગ 7:15 વાગ્યે કાનપુરના બર્રા પોલીસ સ્ટેશનની હદમાં એસટીએફની કાર પલટી ગઈ.

3. જ્યાં સુધીમાં એસટીએફ કાફલામાં સામેલ બાકી બે ગાડીઓ રોકાય, ત્યાં સુધી દુર્ઘટનાગ્રસ્ત કારથી વિકાસ દુબે બહાર આવ્યો અને પિસ્તોલ લઈને ફાયરિંગ કરતો ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યો.4. એસટીએફના જવાનોએ તાત્કાલિક મોરચો સંભાળી લીધો. પોલીસકર્મી તેની પાછળ ભાગ્યા.

5. બંને તરફથી ફાયરિંગ થવા લાગ્યું.

6. વિકાસ દુબેને ગોળી વાગી, અનેક પોલીસકર્મી પણ ઘાયલ થયા.

7. સવારે 7:25 વાગ્યે એન્કાઉન્ટર ખતમ થઈ ગયું.

8. વિકાસ અને પોલીસકર્મીઓને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા.

9. ડૉક્ટરોએ વિકાસ દુબેને મૃત જાહેર કર્યો.

10. આઈજી અને એસએસપીએ પણ ગેંગસ્ટર વિકાસ દુબેના મોતની પુષ્ટિ કરી દીધી.