દુબઇ  

આઇપીએલમાં આરસીબી તરફથી વોશિંગ્ટન સુંદરે પાવરપ્લેમાં રોહિત શર્મા અને કવિન્ટન ડી કોક જેવા હિટર્સને બાંધી રાખ્યા. તેણે પહેલી (પાવરપ્લેની) 6માંથી 3 ઓવર નાખી અને માત્ર 7 રન આપ્યા તથા આ દરમિયાન 12 ડોટ બોલ નાખ્યા તેમજ કુલ 4 ઓવરના સ્પેલ દરમિયાન 13 ડોટ બોલ નાખ્યા. મુંબઈના રનચેઝમાં જેટલી પણ વિકેટ્સ પડી એનું દબાણ આ ડોટ બોલ્સથી જ બન્યું હતું. તેણે સાઇલન્ટ કિલરની જેમ પોતાના સ્પેલ થકી મુંબઈને પ્રથમ 15 ઓવર સુધી મેચની બહાર જ રાખ્યું, ત્યાર બાદ ઝાકળ પડતાં મુંબઈએ ગજબની ફાઇટ આપી અને મેચ ટાઈ કરાવી એ જુદી વાત છે. વોશિંગ્ટનના સુંદર મેચ વગર, કદાચ મેચ આવી ન જામત અને આપણે બધા આવો થ્રિલિંગ એન્ડ ન નિહાળી શકત.

ભારતીય ટીમના હેડ કોચ પણ મેચ સમાપ્ત થયા પછી સુંદરનાં વખાણ કરતાં પોતાને રોકી શક્યા નહોતા. શાસ્ત્રીએ ટ્વીટ કરીને કહ્યું, ચેન્નઈથી લઈને વોશિંગ્ટન સુધી, બેટ્સમેનોની દુનિયામાં સુંદરે IPL 2020નું અત્યારસુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. જ્યારે વિન્ડીઝના દિગ્ગજ ઇયાન બિશોપે લખ્યું, 4 ઓવરમાં 12 રન જ આપ્યા. શું IPLમાં સુંદરની પ્રતિભાનો પૂરેપૂરો ઉપયોગ થાય છે? તો ક્રિકેટ કોમેન્ટેટર હર્ષા ભોગલેએ કહ્યું, જે મેચમાં 40 ઓવરમાં 400 રન બન્યા ત્યાં સુંદરે 4 ઓવરમાં 12 રન જ આપ્યા. કેટલાને લાગે છે કે તેને મેન ઓફ ધ મેચનો અવોર્ડ મળવો જોઈએ?