અબુધાબી

કરો યા મરો મુકાબલામાં રાજસ્થાન રોયલ્સે દમદાર પ્રદર્શન કરતા ચેન્નઈ સુપર કિંગ્સને 7 વિકેટે પરાજય આપ્યો છે. આ રાજસ્થાન રોયલ્સનો ચોથો વિજય છે. ટીમે અત્યાર સુધી 10 મેચ રમી છે. રાજસ્થાનની ટીમ હવે 8 પોઈન્ટ સાથે ટેબલમાં પાંચમાં સ્થાને પહોંચી ગઈ છે. તેની પ્લેઓફની આશા હજુ જીવંત છે. તો ચેન્નઈ સુપર કિંગ્સે ટૂર્નામેન્ટમાં સાતમી હારનો સામનો કરવો પડ્યો છે. તો ચેન્નઈ માટે પ્લેઓફના દરવાજા લગભગ બંધ થઈ ગયા છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 5 વિકેટે 125 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાને 17.3 ઓવરમાં 126 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી.

ચેન્નઈએ આપેલા 126 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખુબ ખરાબ રહી હતી. ટીમે માત્ર 28 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. બેન સ્ટોક્સ (19), રોબિન ઉથપ્પા (4) અને સંજૂ સેમસન (0) રન બનાવી આઉટ થયા હતા. જેમાં સ્ટોક્સ અને સેમસનને દીપક ચાહરે તો રોબિન ઉથપ્પાને હેઝલવુડે આઉટ કર્યા હતા.  

28 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ જોસ બટલર અને સ્ટીવ સ્મિથે ઈનિંગને સંભાળી હતી. બટલરે 37 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. બંન્નેએ 98 રનની વિજયી ભાગીદારી નોંધાવી હતી. જોસ બટલર 48 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 70 રન બનાવી અણનમ રહ્યો હતો. સ્ટીવ સ્મિથ 34 બોલમાં 26 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો.  

મહેન્દ્ર સિંહ ધોનીના નામે વધુ એક રેકોર્ડ, IPLમાં 200 મેચ રમનાર પ્રથમ ખેલાડી બન્યો 

અબુધાબીના મેદાન પર કેપ્ટન એમએસ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચેન્નઈ માટે સેમ કરન અને ફાફ ડુ પ્લેસિસે ઈનિંગની શરૂઆત કરી હતી. ટીમને 13 રનના સ્કોર પર ફાફ ડુ પ્લેસિસ (10)ના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. ડુ પ્લેસિસને જોફ્રા આર્ચરે આઉટ કર્યો હતો. ત્યારબાદ શેન વોટસન (8) રન બનાવી કાર્તિક ત્યાગીની ઓવરમાં આઉટ થયો હતો. આમ ચેન્નઈએ 26 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. 

ટીમનો સ્કોર 53 રન હતો ત્યારે સેમ કરન (22)ને શ્રેયસ ગોપાલે આઉટ કરીને રાજસ્થાનને ત્રીજી સફળતા અપાવી હતી. કરને 25 બોલમાં એક ચોગ્ગો અને એક છગ્ગો પટકાર્યો હતો. અંબાતી રાયડૂ માત્ર 13 રન બનાવી રાહુલ તેવતિયાની ઓવરમાં આઉટ થયો હતો. 56 રન પર ચાર વિકેટ ગુમાવ્યા બાદ રવિન્દ્ર જાડેજા અને એમએસ ધોનીએ પાંચમી વિકેટ માટે 51 રનની ભાગીદારી કરી હતી. એમએસ ધોની ટીમનો સ્કોર 107 રન હતો ત્યારે 28 બોલમાં 2 ચોગ્ગા સાથે 28 રન બનાવી રન આઉટ થયો હતો. અંતમાં રવિન્દ્ર જાડેજા 30 બોલમાં 4 ચોગ્ગા સાથે 35 રન બનાવી અને કેદાર જાધવ 4 રન બનાવી અણનમ રહ્યાં હતા. ચેન્નઈની ટીમ માત્ર એક સિક્સ ફટકારી શકી હતી. રાજસ્થાન તરફથી જોફ્રા આર્ચર, કાર્તિક ત્યાગી, શ્રેયસ ગોપાલ અને રાહુલ તેવતિયાએ એક-એક વિકેટ ઝડપી હતી.