વડોદરા

વડોદરા મહાનગર પાલિકા દ્વારા એક તરફ શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારની પાણીની સમસ્યા ડિસેમ્બર ૨૦૧૮થી ઉકેલવામાં પાલિકાનું તંત્ર ધરાર નિષ્ફળ રહેવા પામ્યું છે. ત્યારે બીજી તરફ શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીના કકળાટ વચ્ચે લીકેજની સમસ્યા જારી રહેવા પામી છે. જેમાં શહેરના આજવા રોડ પર આવેલ ચામુંડાનગરમાં છેલ્લા ૧૦ દિવસથી લીકેજને કારણે માર્ગ પર પાણીનો જંગી જથ્થો વહી જતા પાણીનો મોટાપાયે વ્યય થઇ રહ્યો છે. જે બાબતે સ્થાનિક રહીશો દ્વારા આ પાણીની લાઈનના ભંગાણ અને લીકેજ બાબતે પાલિકાની સબંધિત કચેરી ખાતે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી એવો આક્ષેપ કર્યો છે. જેને લઈને વધુ એક વાર કુંભકર્ણની નિંદ્રા માણતા તંત્રને પાપે મરામતને માટે તદ્દન નિષ્ક્રિય રહેતા પાણીના અપૂરતા મળતા પુરવઠાની વચ્ચે પાણીનો જંગી વ્યય થઇ રહ્યો છે. આ લાઈનમાં લીકેજને લઈને આસપાસના વિસ્તારના રહીશોને છેલ્લા દશ દિવસથી ઓછા દબાણથી પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. તેઓએ લીકેજને કારણે મોટાભાગનું પાણી વહી જતા પૂરતા પ્રમાણમાં પાણીનો પુરવઠો મળતો નથી એવી પણ ફરિયાદ કરી છે. પાલિકા કચેરી દ્વારા તાકીદે આ કામના રીપેરીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી માગ કરી છે. એની સાથોસાથ શહેરના પૂર્વ વિસ્તારમાં અને એ પણ સરદાર એસ્ટેટ અને એની નજીકના આજવા રોડના વિસ્તારોમાં દર આંતરે દિવસે પાણીની લાઈનોમાં સર્જાતા ભંગાણનું કારણ શોધીને એનો કાયમી ઉકેલ લાવવાની રહીશો દ્વારા માગ કરાઈ છે.