વડોદરા

સમગ્ર સંસ્કારી નગરીના નાગરિકોની છેલ્લા ત્રણ ત્રણ વર્ષથી પાણીના પ્રશ્ને ધીરજની કસોટી કરનાર અને પ્રજાને દુષિત, દુર્ગંધ મારતું અને નાના નાના જીવજંતુવાળું પાણી આપનાર વડોદરા મહાનગર પાલિકાને તાજેતરમાં જ શ્રેષ્ઠ વોટર મેનેજમેન્ટનો એવોર્ડ પ્રાપ્ત થતા શાસકોની ૫૬ ઇંચની છાતી ગદગદ ફૂલી ગઈ હતી. પરંતુ આજ પાલિકાના વહીવટની બીજી બાજુ અને કડવી વાસ્તવિકતા એ છે કે મકરપુરા જીઆઈડીસીમાં છેલ્લા ૧૫-૧૫ દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું છે. જેને લઈને આ વિસ્તારમાં પાણીનો બેફામ વેડફાટ બે સપ્તાહથી થઇ રહ્યો છે. એ સંજોગોમાં વાહન ચાલકો અને પ્રજાને ત્યાંથી આવનજાવન કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોવાથી આ બાબતે તંત્રનું તુર્તજ ધ્યાન દોરવામાં આવ્યું હતું. પરંતુ પ્રજા દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતાં આ રજૂઆતો પર જાણે કે તંત્ર અને શાસકો દ્વારા પાણી ફેરવી દેવાયું હોય એવી રીતે આટઆટલા દિવસોથી લીકેજના રિપેરિંગનું કામ હાથ ધરવામાં આવતું નથી. ત્યારે જે સુવિધાઓના આધારે પાલિકાને પાણીના શ્રેષ્ઠ મેનેજમેન્ટનો એવોર્ડ પ્રાપ્ત થયો છે એ સ્કાડા અને સીટી કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર કેવા પ્રકારની કામગીરી કરી રહ્યું છે. એ બાબતે પણ શંકાઓ ઉભી થવા પામી છે. તેમજ વિપક્ષના કાઉન્સિલર ચિરાગ ઝવેરી દ્વારા જે પ્રકારે આ એવોર્ડને લઈને ખુલ્લે આમ આક્ષેપો કરાયા હતા એને સમર્થન મળી રહ્યું છે. જેમાં તેઓએ વોટર મેનેજમેન્ટના નામે શૂન્ય છે એવી વડોદરા મહાનગર પાલિકાને જે બેસ્ટ મેનેજમેન્ટનો એવોર્ડ આપવામાં આવ્યો છે .એ એવોર્ડ કોઈપણ પ્રકારની જમીની વાસ્તવિકતાની ચકાસણી કર્યા વિના ગોઠવણથી એવોર્ડ અપાયાના આક્ષેપો કરવામાં આવ્યા છે. વડોદરા શહેરના મકરપુરા જીઆઈડીસીમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ થતાં છેલ્લા પંદર દિવસથી પ્રતિદિન હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે પરંતુ રજુઆત કરવા છત્તા નિંદ્રાધીન તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી.જેથી આ સમસ્યાના તાકીદે નિરાકરણની માંગ કરી છે. વડોદરા શહેરના મકરપુરા જીઆઇડીસી પાસે આવેલ ટેલિફોન એક્સચેન્જની બાજુમાં છેલ્લા પંદર દિવસથી પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડયું છે. જેના કારણે પ્રતિદિન હજારો લીટર પાણીનો વેડફાટ

થઈ રહ્યો છે.

સ્થાનિક નાગરિકે આ અંગે જણાવ્યું હતું કે ગેસ પાઇપ લાઇન નાખવાની કામગીરી દરમિયાન આ ભંગાણ સર્જાયું હતું અને આ અંગે રજૂઆતો કરી છે પરંતુ કોઈ સાંભળવા તૈયાર નથી અને પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. એક તરફ લોકોને પુરતું પાણી નથી મળતું તો બીજી તરફ રોજેરોજ પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાઈ રહ્યા છે. જે ખરેખર ચિંતાનો વિષય છે જેથી વહેલી તકે આ સમસ્યાના નિરાકરણની માંગ સ્થાનિક રહીશે કરી છે.તેમજ પાલિકાની કામગીરી પ્રત્યે આક્રોશ વ્યક્ત કર્યો છે.