સુરત-

રાજ્યભરમાં વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. હજુ પણ અઠવાડિયા સુધી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે. હાલ મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરતની મુલાકાતે છે. તેમણે ત્યાં સુરત કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરીને વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવતા જોવા મળ્યા હતા.

તો બીજી તરફ સુરત બાજુમાં આવેલા ઉકાઈ ડેમ અને આંબલી ડેમમાં વધતા વરસાદને પગલે પાણીની આવકમાં વધારો નોંધાયો હતો. પરિસ્થિતિની ગંભીરતાને જોતા તંત્ર દ્વારા બંને ડેમોની આસપાસનાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ત્યાંથી ખસેડવાની સૂચના આપી દેવામાં આવી છે. 

પાણીની આવકમાં વધારો નોંધાતા સિંચાઈ વિભાગને ઉકાઈ અને આંબલી ડેમના ગેટ ધીરે ધીરે ખોલવાની સૂચના આપાઈ છે. અસરગ્રસ્તોને ત્વરિત સુરક્ષિત સ્થાને ખસેડવાની સીએમ રૂપાણીએ આદેશ કર્યો હતો.