શહેરા, તા.ર૩ 

શહેરા નગરથી પસાર થતા મુખ્ય હાઈવે માર્ગ પર પાનમ યોજનાની પાઈપ લાઈન આવેલ છે, જે પાઈપ લાઈન દ્વારા પાનમ જળાશયમાંથી શહેરા નગર પાલિકા વિસ્તાર તેમજ પંચામૃત ડેરીને પાણી પુરું પાડવામાં આવે છે, શહેરા નગરના લખારા સોસાયટી સામે આવેલ હાઈવે પર છેલ્લા એક અઠવાડિયાથી આ પાનમ યોજનાની પાઈપ લાઈનમાં લીકેજ હોવાના કારણે પાણીનો વેડફાટ થતો હોય છે, પાણીના વેડફાટની સાથેસાથે ગંદુ પાણી પણ પાઈપ લાઈનમાં પાછું ભડતું હોવાથી રોગચાળા ફેલાવાનો ભય હોવા છતાં તંત્ર દ્વારા લીકેજ થયેલ પાઈપ લાઈનને રીપેર કરવામાં રસ ન હોય તેમ લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છેકે ગત વર્ષે આ જ હાઈવે માર્ગ પર પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા તેને રીપેર કરવા માટે માર્ગનું ખોદકામ કરવામાં આવ્યુ હતું, જે કામ પુર્ણ થયા બાદ માર્ગને યોગ્ય રીતે મરામત કરવામાં આવ્યો ન હોવાથી મોટા-મોટા ખાડા પડી ગયેલા હોવાના કારણે બાઈક ચાલક સહિતના ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.જેથી આ લીકેજ થયેલ પાઈપ લાઈનને વહેલી તકે રીપેર કરવામાં આવે તેમજ ખાડા પડેલ હાઈવે માર્ગને પણ યોગ્ય રીતે મરામત કરવામાં આવે તેવી આસપાસના રહીશોની માંગ છે.