ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય, શહેરી તથા ઔદ્યોગિક વિસ્તારો મળી કુલ ૬૧૨ ગામો અને ૨૦ શહેરોની ભવિષ્યની કુલ ૪૩ લાખની વસ્તીને આવનારા સમયમાં અપૂરતા, અનિયમિત કે ક્ષારયુક્ત પાણી જેવી સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે નર્મદા તેમજ મહીપરીએજ યોજના આધારિત અંદાજે ૩૭૬.૧૯ કરોડના કામનું ખાતમુહૂર્ત મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ભાવનગર તાલુકાના બુધેલ ગામે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઘોઘા તાલુકાના ધારાસભ્ય પરષોત્તમભાઈ સોલંકી, કેશુભાઈ નાકરાણી, આત્મારામ પરમાર, આર.સી મકવાણા તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાણી યોજના અંતર્ગત ભાવનગર જિલ્લા સહિત અમરેલી અને ગીર સોમનાથ સુધીમાં બુધેલ ગામથી બોરડા સુધીમાં ૧૮ કરોડ લીટર ક્ષમતાની પાઇપલાઇન નાખવાનું પાણી પુરવઠાની યોજનાનું ખાતમુહૂર્ત મુખ્યપ્રધાન વિજય રૂપાણી હસ્તે કરવામાં આવ્યું હતું.  

આ પ્રસંગે વિજય રૂપાણી દ્વારા જણાવેલ કે, આ યોજનાના કામો પૂર્ણ થયેથી અને યોજના કાયાર્ન્વિત થયેથી ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય, શહેરી તથા ઔદ્યોગિક વિસ્તારોના કુલ ૬૧૨ ગામો અને ૨૦ શહેરોની ભવિષ્યની કુલ ૪૩ લાખની વસ્તીને વધારાના પીવાના પાણીનો લાભ મળી શકશે. બુધેલથી બોરડા સુધીની પાણીની પાઈપ લાઈનના ખાતમુહૂર્ત કરતા સીએમ વિજય રૂપાણી દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું કે, પહેલાંના સમયમાં પાણી માટે લોકોને દુર દુર સુધી પાણી ભરવા જવું પડતું હતું. તેમજ છેવાડાના ગામો માટે પાણી પહોચાડવા ટ્રેન અને ટેન્કરનો સહારો લેવો પડતો હતો. કચ્છ જેવા રણ વિસ્તારમાં પણ નરેન્દ્ર મોદી દ્વારા પાઈપલાઈન નાખી રણ જેવા વિસ્તારમાં પણ પાણી પહોચાડવામાં સફળતા મેળવી છે. અત્યાર સુધીમાં સૌથી મોટી પાણીની લાઈન ગુજરાતભરમાં ૧ લાખ કિમી અંતરમાં પાઈપલાઈન નાખવામાં આવી છે. તેમજ બુધેલથી બોરડા સુધી પાઈપલાઈન નાખવાનું ખાતમુહૂર્ત કર્યું છે. આગામી વર્ષ ૨૦૨૨ સુધીમાં આ યોજના પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાજ્ય સરકાર દ્વારા રાખવામાં આવ્યો છે.મુખ્યપ્રધાન દ્વારા કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવવામાં આવ્યું કે, કોંગેસ પાસે પાણી પહોચાડવા માટેની કોઈ નક્કર યોજના નહોતી. તેમજ જે સમયે ભાજપ સરકાર દ્વારા પાણીની લાઈનો નાખવામાં આવતી હતી. તે સમયે લોકોને સરકાર વિરદ્ધ ભ્રમિત કરવામાં આવતા હતા. આજે એ દિવસ આવી ગયો કે, કોંગ્રેસ પાસે આનો કોઈ જવાબ નથી. આવનાર દિવસોમાં સરકાર દ્વારા છેવાડાના ગામડાઓ અને શહેરો સુધી પીવાના પાણીની સમસ્યાઓ દુર કરી લોકોને પડતી પાણી માટેની મુશ્કેલી દુર થઇ જશે.