વડોદરા,તા.૯

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં એક જ દિવસમાં મુખ્ય માર્ગ પરના બબ્બે સ્થળોએ પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા માર્ગ પર પાણીની રેલમછેલ સર્જાવા પામી હતી.જેને લઈને મોટા પ્રમાણમાં પીવાનું શુદ્ધ પાણી વહી ગયું હતું.તેમજ આ લાઈનોમાંથી પાણીનો પુરવઠો મેળવનારને ઓછા દબાણથી કે ઓછું પાણી મળ્યાની ફરિયાદો ઉઠવા પામી હતી. આ ભંગાણ કારેલીબાગ ચેપી રોગની હોસ્પિટલ પાસે ભુવો પડતા સર્જાવા પામ્યું હતું.જ્યાં પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાતા મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો વહી જવા પામ્યો હતો.તેમજ આ સ્થળે પાણીના ભારે દબાણને લઈને મસમોટો ભુવો સર્જાયો હતો.આ ઊંડા ભુવામાં ભરાયેલા પાણીમાં રાત્રીના સમયે કોઈ મોટી દુર્ઘટના સર્જાવવાનીઓ ભીતિ પણ સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.આ ઉપરાંત મુખ્ય માર્ગ પરના આ ભુવાને લઈને જાે કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ?એવો પ્રશ્ન સ્થાનિકો ઉઠાવી રહ્યા છે. આ ભંગાણ બાબતે તુર્તજ જવાબદારોને જાણ કરવા છતાં કલાકો સુધી કોઈપણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી.એવા આક્ષેપો પણ કરાયા હતા. આ ઉપરાંત બીજું ભંગાણ કારેલીબાગ પાણીની ટાકી ચાર રસ્તા પર સર્જાયું હતું.જ્યાં કામગીરી દરમ્યાન ભંગાણ સર્જાતા પાણી વહી ગયું હતું. જેને લઈને રાઉન્ડ ધ ક્લોક નાના મોટા વાહનોની આવનજાવનથી ધમધમતા માર્ગ પર અકસ્માતની ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી. આમ એક જ દિવસમાં કારેલીબાગ વિસ્તારમાં બબ્બે સ્થળે ભંગાણ સર્જાતા મોટા પ્રમાણમાં પાણી માર્ગ પર વહી જતા વ્યર્થ ગયું હતું.