વડોદરા : શહેરમાં છેલ્લાં ત્રણ દિવસથી વરસાદનું જાેર ઘટયું છે. પરંતુ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા આજવા સરોવર અને તેના સ્ત્રાવ વિસ્તારમાં વરસાદને પગલે ઉપરવાસમાંથી પાણીની આવક જારી રહેતાં આજવાની સપાટી વધીને ૨૧૨.૩૦ ફૂટ થતાં ૨૧૨ ફૂટનું લેવલ જાળવવા માટે બપોરે ૧૨ વાગે ફરી ૬૨ દરવાજા ખોલીને વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાતાં નદીકાંઠાના ગામોને તંત્રે સતર્ક રહેવાની સૂચના આપી છે. 

વડોદરામાં છેલ્લાં ચાર-પાંચ દિવસથી વરસાદનું જાેર ઘટયું છે. પરંતુ હાલોલ, વાઘોડિયા તાલુકાના આજવા સરોવરના ઉપરવાસના ગામોમાં વરસાદ થતાં આજવા સરોવરમાં સતત પાણીની આવક જારી રહેતાં આજવાની સપાટી ૨૧૨.૩૦ ફૂટે પહોંચી હતી. જાે કે, પાલિકાતંત્ર દ્વારા ૨૧૨ ફૂટનું લેવલ જાળવી રાખવા માટે આજે બપોરે ૧૨ વાગે ૬ર દરવાજા ખોલીને ૩૩૪૦ કયુસેક પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવાની શરૂઆત કરી હતી. જેના પગલે વિશ્વામિત્રી કાંઠાના વાઘોડિયા તાલુકાના ૭ અને વડોદરા તાલુકાના ૧૦ મળીને ૧૭ ગામોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. જાે કે, ઉપરવાસમાંથી પાણીની આવક જારી રહેતાં સાંજે ૭ વાગે આજવામાંથી ૪૬૬૦ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જાે કે, વિશ્વામિત્રી નદીની સપાટી સાંજે ૭ વાગે ૯ ફૂટ નોંધાઈ હતી. વરસાદ ન હોય અને પાણીની આવક ઘટે તો મોડી રાત્રે ૨૧૨ ફૂટનું લેવલ કરીને આજવાના દરવાજા ફર બંધ કરાશે તેમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.

વડોદરામાં છૂટોછવાયો એક ઈંચ વરસાદ

શહેરમાં આજે દિવસ દરમિયાન વાદળિયા વાતાવરણ વચ્ચે છૂટોછવાયો એક ઈંચ વરસાદ થયો હતો. આખો દિવસ છૂટોછવાયો વરસાદ જારી રહેતાં લોકોને રેઈનકોટ પહેરીને કાં તો છત્રી લઈને ઘરોની બહાર નીકળવાની ફરજ પડી હતી. વડોદરા શહેરમાં રાત્રે ૮ વાગ્યા સુધી રર મિ.મી. વરસાદ થયો હતો. જ્યારે ડેસર તાલુકામાં ૩૮ મિ.મી., કરજણમાં ર૩ મિ.મી., ડભોઈમાં ર૧ મિ.મી., સાવલીમાં ૧૮ મિ.મી. અને વાઘોડિયા, પાદરા અને શિનોર તાલુકામાં દિવસ દરમિયાન ૧૧ મિ.મી. એટલે કે ત્રણે તાલુકામાં અડધો ઈંચ વરસાદ થયો હતો.

કડાણા ડેમમાંથી મહીમાં ર૦ હજાર કયુ. પાણી છોડાતાં કાંઠાના ગામોને સતર્ક કરાયાં

કડાણા ડેમમાંથી ૨૦,૦૦૦ કયુસેક પાણી મહીનદીમાં પાવર હાઉસના માધ્યમથી છોડવામાં આવી રહ્યું છે. કડાણા જળાશય ખાતે પાણીની સતત આવકને ધ્યાનમાં લઈને મહીનદીમાં જળવિદ્યુત મથક અને ગેટમાંથી ક્રમશઃ બે લાખ કયુસેક જેટલું પાણી તબક્કાવાર છોડવાનું આયોજનો છે, જેના અનુસંધાને જિલ્લા કલેકટરની સૂચનાથી વડોદરા જિલ્લાના ડેસર, સાવલી, વડોદરા ગ્રામ્ય અને પાદરા તાલુકાના ગામો મહીકાંઠે આવેલા છે. આ ગામોમાં સાવધાની રાખવા અને જરૂર પડયે સાવચેતીના ઉચિત પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

રૂલ લેવલ જાળવવા દેવડેમમાંથી ૮૭૨૫ કયુસેક પાણી છોડાયું

વડોદરા. ઉપરવાસમાં વરસાદ અટકતાં હાલોલ તાલુકામાં દેવડેમમાં પાણીની આવક ઘટી છે. પરંતુ રૂલ લેવલ જાળવી રાખવા માટે તકેદારીના ભાગરૂપે હાલોલ તાલુકામાં આવેલા દેવડેમમાંથી ૩૮૭૦.૫૨ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સાંજે ડેમના ગેટ નં.૩, ૪, પ અને ૬ ને ૩૦ સે.મી. જેટલા આંશિક ખોલવામાં આવ્યા છે. રાત્રે વધુ બે દરવાજા ખોલી છોડવામાં આવી રહેલા પાણીના જથ્થામાં વધારો કરીને રાત્રે ૮૭૨૫ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડવા ૬ દરવાજા ૪૫ સેમી ખોલવામાં આવ્યા છે. જેના પગલે દેવડેમના હેઠવાસમાં આવતા હાલોલ તાલુકાના પાંચ, વાઘોડિયા તાલુકાના ૧૯ અને ડભોઈ તાલુકાના ૭ ગામો મળીને ૩૩ ગામોને તકેદારી રાખવા સૂચના આપી સતર્ક કરવામાં આવ્યા હતા.