ગાંધીનગર-

રાજ્યમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ખેડૂતો દ્વારા રવીપાક લેવાની પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે, પરંતુ રવીપાકમાં પાણીની આવશ્યકતા હોવાથી રાજ્ય સરકારે નર્મદા મુખ્ય કેનાલમાંથી વધુમાં વધુ પાણી ખેડૂતોને સિંચાઈ માટે મળી રહે તે પ્રકારનું આયોજન કર્યું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી કે, રાજ્યના ખેડૂતો રવીપાકમાં વધુને વધુ પાકનું વાવેતર કરી શકે તે માટે ગત વર્ષ કરતાં પણ વધુ પાણી આપવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોના હિતને માટે રાજ્ય સરકારે અમદાવાદ જિલ્લાના ફતેવાડી નહેર તથા ખારીકટ નહેર કમાન્ડ વિસ્તારના ખેડૂતો માટે નર્મદા યોજનાની મુખ્ય નહેર પર સાબરમતી એસ્કેપ મારફતે સિંચાઈ માટે આશરે 980 ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ નિર્ણયથી અમદાવાદ જિલ્લાના ફતેવાડી નહેર કમાન્ડ યોજના વિસ્તારના દસ્ક્રોઇ, બાવળા, સાણંદ, ધોળકા અને વિરમગામ તાલુકાઓના આશરે 25,000 હેક્ટર વિસ્તારમાં તથા ખારીકટ નહેર યોજના કમાન્ડ વિસ્તારના બારેજા, દસ્ક્રોઇ અને માતર તાલુકામાં આશરે 2,800 હેક્ટર વિસ્તારમાં સિંચાઇનું પાણી તાત્કાલિક અસરથી છોડવામાં આવ્યું છે, જેથી આ વિસ્તારના ખેડૂતોને રવીપાક માટે 15 માર્ચ 2020 સુધી સિંચાઇના પાણીનો લાભ મળશે.