વડોદરા-


નર્મદા કાંઠાના શિનોર ડભોઇ અને કરજણ તાલુકાઓના 13 ગામોના લોકોને સાવધાની રાખવા અને નદી કિનારા થી દુર રહેવા જિલ્લા કલેકટરે જણાવ્યું


સરદાર સરોવર જળાશયમાં થી નર્મદા નદીમાં આજે બપોરના 2.45 ની આસપાસ અંદાજે 2 લાખ ક્યુસેક થી શરૂ કરીને ક્રમશ: 4 લાખ ક્યુસેક પાણી છોડવાની જાણકારી નર્મદા નિગમ દ્વારા વડોદરા જિલ્લા વહીવટી તંત્રને આપવામાં આવી છે. હાલમાં મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમમાં થી સરદાર સરોવરમાં પાણીની થઈ રહેલી આવકને અનુલક્ષીને બંધ ખાતે સપાટી જાળવવા પાણી છોડવામાં આવશે.

તેના અનુસંધાને વડોદરા જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે વડોદરા જિલ્લાના નર્મદા કાંઠે આવેલા શિનોર,ડભોઇ અને કરજણ તાલુકાના 13 ગામોના લોકોને નર્મદામાં પાણી વધવાની શક્યતા ને અનુલક્ષીને તમામ પ્રકારની સાવચેતી રાખવા અને ખાસ કરીને નર્મદા કાંઠા થી દુર રહેવા અને માલ ઢોરને દુર રાખવા ખાસ અનુરોધ કર્યો છે.

આ જાણકારી ને અનુલક્ષીને આ ત્રણેય તાલુકાઓના સંબંધિત પ્રાંત અધિકારીઓ, મામલતદારો,તાલુકા વિકાસ અધિકારીઓ અને પોલીસ તંત્રને કાંઠાના ગામો અને ખાસ કરીને આ ગામોના નીચાણ વાળા વિસ્તારોમાં વિશેષ તકેદારી રાખવા અને સતત નજર રાખી સાવધાની ના જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

 વડોદરા જિલ્લામાં નર્મદા નદી શિનોર,ડભોઇ અને કરજણ તાલુકાઓમાં થી પસાર થાય છે.આ પૈકી કરજણ તાલુકાના પૂરા, આલમપુરા,લીલાઇપુરા,નાની અને મોટી કોરલ તેમજ જૂના શાયર ગામો,ડભોઇ તાલુકાના ચાંદોદ,કરનાળી અને નંદેરિયા અને શિનોર તાલુકાના મઢી દેવસ્થાન,અનસૂયા મંદિર, માલસર અને બરકાલ નર્મદા કાંઠે આવેલા છે.સંબંધિત ગામોના સરપંચો અને તલાટીઓ ને પણ તમામ પ્રકારની તકેદારી રાખવા જણાવવામાં આવ્યું છે.