વડોદરા : વડોદરા કોર્પોરેશનની નંદેસરી હાઈવેથી શહેરમાં આવતી પાણીની મુખ્ય નળિકા ગત રાત્રે ખાનગી ટેલિકોમ કંપનીની કામગીરી દરમિયાન તૂટતાં પાણીનો ધોધ વછૂટ્યો હતો. જાે કે,રાત્રે જ મહિ નદીના ત્રણે કૂવાના પંપો બંધ કરીને રિપેરિંગની કામગીરી હાથ ધરી હતી, જે વહેલી સવાર સુધી ચાલી હતી. પરંતુ લાખો લિટર પાણીના વેડફાટ સાથે ૬૦ એમએલડી પાણીની ઘટ પડતાં ૧૫ મિનિટના કાપ સાથે સવારના પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મહી નદી ખાતે રાયકા, દોડકા, પોઇચા અને ફાજલપુર ચાર કૂવા છે. જેમાંથી કોર્પોરેશનને રોજનું ૩૦ કરોડ લિટર પાણી મળે છે. આ ચાર કૂવાના પંપો સતત ચાલુ રહે છે, પરંતુ નંદેસરી ચાર રસ્તા નજીક નેશનલ હાઈવે ખાતે ખાનગી ટેલિકોમ કંપની દ્વારા ખોદકામ દરમિયાન રાયકા અને દોડકા કૂવાની ૫૪ ઇંચ ડાયામીટરની લાઈન તોડી નાખી હતી, જેના લીધે પાણીનો ધોધ વછૂટતાં પાણી વેડફાતું અટકાવવા રાયકા, દોડકા અને પોઇચા કૂવાના પંપો બંધ કરવા પડયા હતા.

આમ, ચારમાંથી ત્રણ કૂવાના ૧૩ પંપો બંધ કરાયા હતા. કોર્પોરેશનનો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો અને રાત્રે ૧૨ વાગ્યાથી કામગીરી શરૂ કરી સવારે છ વાગ્યે રિપેરિંગ કામ પૂરું કર્યું હતું. પરંતુ ભંગાણને પગલે ૬૦ એમએલડી પાણીની ઘટ પડી હતી. જેના પગલે આજે સવારનું પાણી ઓછા પ્રેશરથી અને ૧૫ મિનિટના કાપ સાથે વિતરણ કરવામાં આવ્યું હતું. નંદેસરી ચાર રસ્તા પાસે નર્સરી નજીક રોડની ધારે પાણીની લાઇન પસાર થાય છે, જ્યાં ખાનગી કંપની દ્વારા ફાઇબર ઓપ્ટિકની કેબલ નાખવાની કામગીરી દરમિયાન કોર્પોરેશનની ચેમ્બર તોડી નાખી, એર વાલ અને લાઈનને નુકસાન થતાં પાણીનો ધોધ વછૂટયો હતો. મોડી રાત્રે ૧૦.૩૦ વાગ્યે આ બનાવ બન્યો હતો, પાણી નજીકના વિસ્તારમાં ફરી વળ્યાં હતાં. કોર્પોરેશનની લાઈન અને એર વાલ તોડીને માણસો સ્થળ પરથી જતા રહ્યા હતા. કોર્પોરેશન નુકસાન બદલ નોટિસ ફટકારશે અને ૮.૫૦ લાખનો દંડ ફટકારાશે તેમ જાણવા મળ્યું છે.

શહેરના અનેક વિસ્તારોમાં ૧૫ મિનિટના કા૫ સાથે પાણી વિતરણ કરવામાં આવ્યું

પાણીની લાઇનમાં ભંગાણ થતાં અંદાજે ૬ કલાક ચાલેલી મરામતની કામગીરી દરમિયાન લાખો લિટર પાણી વેડફાઈ ગયું હતું. પાણી લીકેજ થવાના કારણે આજે સવારે શહેરના સંખ્યાબંધ વિસ્તારમાં ૧૫ મિનિટ જેટલું ઓછું પાણી વિતરણ કરવામાં આવ્યું હતું.