વડોદરા, તા.૨૩  

વડોદરા મહાનગર પાલિકાના ઇજારદારો, પૂર્વ શાસકો અને અમલદારોની ત્રિપુટીએ આચરેલા વ્યાપક ભ્રષ્ટાચારોને લઈને અવારનવાર શહેરમાં પાણીની લાઈનોમાં લીકેજની સમસ્યાઓ સર્જાય છે. જે જારી રહેતા શહેરમાં વધુ એક સ્થળે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાવા પામ્યું છે, શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ નટુભાઈ સર્કલ પાસે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા માર્ગ પર જળબમ્બાકાર જેવી સ્થિતિ સર્જાવા પામી હતી. જેને લઈને આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. આ માર્ગ પરથી પસાર થતી પાણીની લાઈનમાં ઇજારદારો દ્વારા હલકી ગુણવત્તાના મટીરીયલ્સને લઈ પ્રજાને સમસ્યા ભોગવવી પડી હોવાનું ચર્ચાતું હતું. આ સ્થળ પાસે અવારનવાર એકની એક લાઈનમાં ભંગાણ સર્જાય છે. તેમજ ભંગાણ પછીથી પણ યોગ્ય પ્રમાણમાં દુરસ્તી કરાતી ન હોવાને કારણે વારંવાર એક સરખી સમસ્યા સર્જાય છે. છેલ્લા કેટલાક મહિનાઓથી નટુભાઈ સર્કલથી ગોત્રી હોસ્પિટલ તરફ જતા માર્ગ પર ઓવર બ્રિજ શરુ થાય એ પહેલા માર્ગ પર એક જગ્યાએ નિયમિત રીતે ભંગાણ સર્જાય છે. એનું યોગ્ય પુરાણ કરવામાં આવતું નથી. તેમજજ એ જગ્યાએ કોઈપણ પ્રકારના ભય સૂચક બોર્ડ મુકવામાં આવતા નથી .એને કારણે વાહન ચાલકો વચ્ચે વારંવાર અકસ્માતો સર્જાય છે. ખાસ કરીને રાત્રીના સમયમાં આ અનિયમાનવાળી જગ્યાએ અંધારાને લઈને અકસ્માતમાં વાહન ચાલકોને ઈજાઓ પહોંચે છે. જાે કે એને લઈને ક્યારે કોઈ જીવ ગુમાવે અને પ્રજા આંદોલન કરે એની તંત્ર રાહ જાેઈ રહ્યું છે એમ આક્રોશ સાથે સ્થાનિકોએ જણાવ્યું હતું.