અમદાવાદ-

અમદાવાદના વટવા વિસ્તારમાં બુધવારે લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં વિધર્મી યુવકે મહિલાને પ્રેમજાળમાં ફસાવી તેના પર દુષ્કર્મ આચર્યુ હતું. દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી પણ બનાવી હતી. મહિલા પાસે પૈસા પડાવી લીધા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. આરોપી ગર્ભપાત કરાવવા પણ ધમકી આપતો હોવાથી મહિલાએ યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. થોડા સમય પહેલા વાસણા વિસ્તારમાં પણ લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો હતો. આવા કિસ્સાઓ અંગે રાજ્યનાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કડક શબ્દોમાં નિવેદન આપતા જણાવ્યું છે કે, આવી પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે એક્શન લઇશુ.

લવજેહાદ અંગે ગૃહમંત્રીએ નિવેદન આપ્યું છે કે, લવજેહાદના જે કિસ્સા બની રહ્યાં છે, તેમાં આપણી પાસે જે કાયદા છે તેનાથી પૂરતા એક્શન લઇશું. આવુ કરવા માટે કોઇ પ્રેરાય નહીં અને આ પ્રમાણેનું કાંઇ કર્યું તો તેના પર પૂરતા એકશન લેવામા આવશે. જેના કારણે આ પ્રકારની પ્રક્રિયા અને પ્રવૃત્તિ પર અંકુશ લેવામાં આવે. શહેરના વટવા વિસ્તારમાં રહેતી મહિલાને વટવા વિસ્તારમાં રહેતા સરફરાઝ ખાન સાથે દોઢ વર્ષ પહેલાં ઓળખાણ થઈ હતી અને બાદમાં તેને લગ્ન કરવાની લાલચ પણ આપી હતી.

સરફરાઝે મહિલાને પ્રેમજાળમાં ફસાવી અને કેફીપીણું પીવડાવી તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં અવાનવાર ઘરે આવી દુષ્કર્મ ગુજારતો હતો. જેનાથી મહિલા ગર્ભવતી થઈ ગઈ હતી. મહિલા પાસેથી તેણે ૨.૭૦ લાખ રૂપિયા લીધા હતા. જે પરત આપ્યા ન હતા. મહિલા અન્ય જગ્યાએ રહેવા ગઈ ત્યારે પણ આવીને તેની સાથે શારિરીક સંબંધ બાંધતો હતો.