નવી દિલ્હી, તા.૧૯ 

કોરોના મહામારીના કારણે આખી દુનિયામાં મોતનું તાંડવ જાેવા મળી રહ્યું છે. ભારતમાં પણ આ મહામારીએ પગપેસારો કર્યો છે અને દિવસે દિવસે આ રોગાચાળાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. સાથે જ કોરોનાથી મૃત્યુ પામતા દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આપને જણાવી દઈએ કે અત્યાર સુધી દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૧૦ લાખને પાર પહોંચી છે જ્યારે મૃત્યુઆંક ૨૬ હજારને પાર પહોંચ્યો છે. આ ગંભીર પરિસ્થિતિઓમાં એક ખેલાડી એવો છે જે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના મૃત શરીરને ઉઠાવી કબ્રિસ્તાનમાં દફનાવી રહ્યો છે. આ ખેલાડીનું નામ છે મોહમ્મદ અઝમત, જે ભારતનો વેટલિફ્ટર છે. બે વર્ષ પહેલા અઝમતે ઇન્ટરનેશનલ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ૨૯૫ કિલોગ્રામનું વેઇટલિફ્ટ કરી પોતાનું દમખમ બતાવ્યું હતું.

પરંતુ હવે તેણે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના મૃત શરીર ઉપાડવા વધુ ભારે લાગી રહ્યાં છે. જ્યાં કોરોના મહામારીથી મરતા લોકોની અંતિમ યાત્રમાં જવાથી પણ ઘણા લોકો અચકાઈ રહ્યા છે. કેટલીક લાશોને તો અંતિમ સંસ્કાર પણ નસીબ નથી થઈ રહ્યું. એવા ડરના માહોલમાં મોહમ્મદ અઝમત પોતાના બે સાથીદારો સાથે મળી કેટલાક શબોને કબ્રિસ્તાન લઈ જઈ રહ્યો છે અને દફનાવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ ૪૩ વર્ષના અઝમતે આ અંગે કહ્યું કે મૃતકોને દફનાવવા હવે કોઈ આવતું નથી અમે ત્રણ લોકો કેટલીક લાશોને દફનાવી ચૂક્યા છીએ. આ કામ વેટલિફ્ટિંગ કરતા પણ વધુ ભારે અને દર્દનાક છે.

રિપોર્ટ મુજબ મોહમ્મદ અઝમત આ ગંભીર વાયરસ અંગે સંપૂર્ણ માહિતી રાખે છે અને તે સાવચેત રહે છે. આ કામ કરતા સમયે તે પોતાની સુરક્ષાના દરેક જરૂરી પગલા લે છે. આ સિવાય પોતાના પરિજનોથી દૂર તે આઇસોલેશનમાં રહે છે. અઝમત બેંગલુરુમાં એક આઈટી ફર્મથી જાેડાયેલ છે. જેણે તાજેતરમાં એક એનજીઓ મર્સી એન્જિલ્સ જાેઇન કર્યું છે. આ એનજીઓ શહેરમાં કોવિડ-૧૯થી મરતા લોકોના મૃત શરીરને અંતિમ યાત્રા સુધી પહોંચાડવાનું કામ કરે છે. અઝમત, ડિસેમ્બર ૨૦૧૯માં વર્લ્ડ પાવરલિફ્ટિંગ કોંગ્રેસમાં ભાગ લેવા માસ્કો ગયો હતો. જ્યારે તેણે ક્લાસિર રો કેટેગરી ૧૧૦ કિલો વજન શ્રેણીમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.